
🥀🥀
ડાળ આ વિશ્વાસની તૂટી જશે નો’તી ખબર,
રાહબર મારા મને લૂંટી જશે નો’તી ખબર.
વાસ્તવિકતા આખરે તો વાસ્તવિકતા હોય છે,
કલ્પનાના મહેલ સૌ તૂટી જશે નો’તી ખબર.
એક સરવાળો કર્યો તો બાદબાકી થઈ ગઈ,
વય વધે તો આયખું ખૂટી જશે નો’તી ખબર.
વેદનાની વાડ ઠેકી દોસ્તો મારા બધા,
લાગણીનાં ફૂલને ચૂંટી જશે નો’તી ખબર.
ઠાલવ્યું’તું દિલ અમે દરિયો ગણીને એમને,
આમ પરપોટો થઈ ફૂટી જશે નો’તી ખબર.
એક અમથી વાત એનું કાળજું વીંધી ગઈ,
શબ્દ મારા બાણ થઈ છૂટી જશે નો’તી ખબર.
આ જગતનાં દર્દ પર રડવું હતું મારે ‘અમીર’,
આંખમાંથી આંસુઓ ખૂટી જશે નો’તી ખબર.
~ દેવદાસ શાહ ‘અમીર’ (15.11.1937 – 24.7.2019)
🥀🥀
કોણ કે’ છે લક્ષ્ય વીંધે કોઇ એવો જણ નથી ?
જોઇ લે, આ હાથમાં ગાંડીવ છે, ગોફણ નથી !
હું તને મારો ગણીને બંદગી કરતો રહું.
ને ખુદા, તું એમ વરતે છે, કે કંઇ સગપણ નથી ?
જાન આપો કે ન આપો, આંચકીને લઇ જશે,
આવશે હકદાર થઇને, મોત કંઇ માગણ નથી !
અલ્પ જીવનમાં બધીયે કેમ સંતોષી શકાય ?
બહુ તમન્નાઓ છે દિલમાં, એક બે કે ત્રણ નથી !
મધ્યદરિયે ડૂબવામાં એ જ તો સંતોષ છે,
આ તમાશો દેખવા માનવનો મહેરામણ નથી.
હાલ તું આવા અધૂરા માનવી સરજે છે કાં ?
વિશ્વકર્મા ! તારું પણ પહેલાં સમું ધોરણ નથી.
ફાવશે ક્યાં ક્યાં હરીફોની હરીફાઇ, ‘અમીર’ ?
મારી સમૃધ્ધિનાં કાંઇ એક-બે કારણ નથી..!!
~ દેવદાસ શાહ ‘અમીર’ (15.11.1937 – 24.7.2019)
🥀🥀
જિંદગીનો એટલો બસ સાર હોવો જોઈએ,
જ્યાં સુધી જીવું છું તારો સાથ હોવો જોઈએ.
એ જ ચાહત છે કે મબલખ પ્યાર હોવો જોઈએ,
છું ધરા ધીંગી સતત વરસાદ હોવો જોઈએ.
મોરલાની જેમ ગહેકીને કદી કહેવાય નહીં,
પ્યારના ઇકરારમાં થડકાટ હોવો જોઇએ.
એક પણ ડગલું હવે આગળ વધાતું કાં નથી?
આટલામાં એમનો આવાસ હોવો જોઈએ.
ભાગ્યની એવી બુલંદી દે મને તું ઓ ખુદા!
દોડવાનું થાય ત્યારે ઢાળ હોવો જોઈએ.
મારશે ના કોઈ દિ’ વિશ્વાસમાં લીધા વગર,
એટલો તો દોસ્ત પર વિશ્વાસ હોવો જોઈએ.
હો ભલે ખોટો છતાં થોડો દિલાસો આપજો,
જીવવાને કાંઈક તો આધાર હોવો જોઈએ.
એક આવે, જાય બીજો શી મજા એમાં ‘અમીર’?
આપણે ત્યાં દોસ્તનો દરબાર હોવો જોઈએ.
~ દેવદાસ શાહ ‘અમીર’ (15.11.1937 – 24.7.2019)
🥀🥀
ભેખડોને તોડતી આગળ વધે ને એ નદી!
ને એક અમથી કાંકરીથી થરથરે ને એ નદી!
સંસ્કૃતિને બાવડું ઝાલી અને બેઠી કરી
ને પ્રદુષણના પ્રહારે તરફડે ને એ નદી!
વિસ્તરે તો શિવની આખી જટા ઓછી પડે
ને અંજલિમાં અલ્પ થઈને જે શમે ને એ નદી!
સ્વર્ગથી હડધૂત થઈને શ્રાપ પામી તે છતાં
પૃથ્વી પર સંજીવની થઈ અવતરે ને એ નદી!
વીફરે તો ગામમાં ગામો ઉદરમાં ઓરતી
ને રીઝે તો રક્ત થઈ નસમાં વહે ને એ નદી!
એ વિરહના અવસરે પણ સાથ દેવાની સદા
ગોપીઓના કાજળે કાળી પડે ને એ નદી!
ક્યાંથી નીકળી, ક્યાં જઈ, કોને મળેનું કામ શું
કોઈને પણ પાદરેથી નીકળે ને એ નદી!
એ પિયરમાં વીરડી મીઠી બની રે’ છે ‘અમીર’
છેવટે ખારાશને જઈને વરે ને એ નદી!
~ દેવદાસ શાહ ‘અમીર’ (15.11.1937 – 24.7.2019)
🥀🥀
એ અલ્પ માંગ હો કે અતિ હોય તોય શું?
એ ભીખ છે છૂપી કે છતી હોય તોય શું?
ફરવાનું ગોળ ભાગ્યમાં જેના લખ્યું હશે,
તકદીરની ગાડીને ગતિ હોય તોય શું?
દુર્યોધનો જો જાંઘને ખુલ્લી કરી શકે,
તો દ્રૌપદીને પાંચ પતિ હોય તોય શું?
ઉદ્ધાર કરવા રામને વનમાં જવું પડે,
અહલ્યા સમી જો કોઈ સતી હોય તોય શું?
તમને તો છે ખબર કોઈ ક્યારે થશે ચલિત,
હે વિશ્વામિત્ર! કોઈ જતિ હોય તોય શું?
ઓ કામદેવ! આ આંખ તું ખોલી નહીં શકે,
શંકરની સામે લાખ રતિ હોય તોય શું?
જે સંકુચિત ધોરણ છે તે રહેશે અહીં ‘અમીર’!
તારી ભલે વિશાળ મતિ હોય તોય શું?
~ દેવદાસ શાહ ‘અમીર’ (15.11.1937 – 24.7.2019)
ફોટો સૌજન્ય : રેખ્તા

વાહ! હ્રદયસ્પર્શી રચનાઓ.
એક સરવાળો કર્યો તો બાદબાકી થઈ ગઈ,
વય વધે તો આયખું ખૂટી જશે નો’તી ખબર.
અમીરની રચનાઓ પણ અમીર ભાવથી છલકે છે. ધબકાર કાવ્યગોષ્ઠીમાં તેમને અનેક વખત માણેલા.
વાહહહ બધી જ ગઝલ લાજવાબ…એ નદી તો વાહહહહ