
મારા રોયા
મ્હાય્લે ધગે સે મારે ચૂલો, ને દાઝ મને એવી ચડે સે મારા રોયા,
ઓલી રવલીને જોઈ તારી આંખ્યુંમાં ઉગેલા ઓરતા મેં આઘેથી જોયાં.
તું કાગડાની જાત, મારા દહીંથરા-શા મૂલ, તોય હાચવ્યા મેં તારા ઘરબાર,
ધગધગતા ખેતરમાં વાઢ્યા મેં ધાન અને રોટલામાં કાઢ્યો અવતાર;
તોય હાળા ભમરાળા, તેં તારા સાનભાન ઈ રવલીની પસવાડે ખોયા?
મ્હાય્લે ધગે સે મારે ચૂલો, ને દાઝ મને એવી ચડે સે મારા રોયા.
આજથી નહિ છાણાં, નહિ બેડાનો ભાર, વાસીદાં હોત નહિ વાળું,
વડ્કું કરું તારી વાંકદેખી માને, ને કહી દઉં હું તારું ભોપાળું;
બાઈ! તારા કુંવરને મલમલ ગમ્યું નહીં, ઈ માદરપાટે જઈને મોહ્યા
મ્હાય્લે ધગે સે મારે ચૂલો, ને દાઝ મને એવી ચડે સે મારા રોયા.
~ દેવાંગી ભટ્ટ
પોતાના પુરુષને બીજી સ્ત્રી તરફ ખેંચાતો કઈ સ્ત્રી જોઈ શકે? અને આ બળતરાનું બેનમૂન ભાવવિશ્વ કવિ ઊભું કરી શક્યા છે.
‘મારા રોયા’ જેવો કાઠિયાવાડી છણકો આ કાવ્યને જીવંત કરી દે છે. તો ‘વડ્કું કરું તારી વાંકદેખી માને’ કહી પોતાનો આગવો મિજાજ અને હિંમત પણ સાતે સૂર/આક્રોશમાં પ્રગટ થાય છે. તો વિરોધ વ્યક્ત કરવામાં નાયિકાએ ક્યાંક કચાશ રાખી નથી ! સરખામણી માટે ‘મલમલ’ અને ‘માદરપાટ’ જેવા પ્રતીકો ધ્યાન ખેંચે છે.
નવલકથા ક્ષેત્રે નમૂનારૂપ કામ કરનાર દેવાંગી ભટ્ટ કાવ્ય ક્ષેત્રે પણ એટલા જ બળૂકા સાબિત થયા છે.

વાહ, આક્રોશ ગામઠી, સોરઠી શબ્દમાં આબાદ ઝીલાયો છે.
વાહ ખુબ સરસ રચના ખુબ ગમી
ગીત સૌ સાથે વહેંચવા બદલ આભાર 🙏
મારો આનંદ છે દેવાંગીબહેન
દેવાંગીબેન, અંતરની બળતરાનું કાવ્ય ખૂબ સચોટ. અભિનંદન દેવાંગીબેન