ધીરેન્દ્ર મહેતા ~ બે કાવ્યો * Dhirendra Maheta

તળાવ

દીધું નામ તળાવનું,
નવ દીધું ટીપુંક નીર.

ખાલીપાનો અહેસાસ આપતાં
કાગ-બગલાં તળને ઠોલે,
મયણાનો આભાસ ઘડીકમાં
ચાંચમાં પકડી ખોલે;
તરસ ગામની આવે અહીંયા
લૂનું પહેરી શરીર
નવ દીધું ટીપુંક નીર.

ઉપર આભ અફાટ દીધું,
નહિ વાદળની આવનજાવન,
મોસમ કેવી, કેવા આળન્ગ
શું અષાઢ, શું શ્રાવણ?
નામ તળાવનું શું રે દીધું,
દીધી નામની પીર!
નવ દીધું ટીપુંક નીર.

~ ધીરેન્દ્ર મહેતા

કાળ

ડૂબી રહી છે સાંજ
જોઈ રહ્યું છે સ્તબ્ધ એકાકી ગગન
પાસે હવા ઊભી રહી થઈ મૂઢ
થંભી ગયાં છે સાવ સરિતાજળ
નિષ્કમ્પ સઘળાં વૃક્ષની
સૂની બધીયે ડાળ પર
પર્ણો મહીં
છે ક્યાંય પંખીના ઝૂલ્યાનો સ્હેજ પણ
આભાસ ?
કાંઈ અહીં સહસા નહીં
હળવેક હળવે
હોલવાતાં જાય દૃશ્યો
કે દૃષ્ટિ આ તો થઈ રહી છે અંધ
ને કાળના ઝૂકી પડ્યા છે સ્કંધ.

~ ધીરેન્દ્ર મહેતા

કવિને જન્મદિને સ્નેહવંદના

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

3 thoughts on “ધીરેન્દ્ર મહેતા ~ બે કાવ્યો * Dhirendra Maheta”

  1. 'સાજ' મેવાડા

    કવિને જન્મદિને સ્નેહવંદના

Scroll to Top