કબીરા
તારે એક જ નામ હશે પણ
મારે આખું ગામ કબીરા
મુલ્લા બમ્મન પહાડ પથ્થર મેં તો સઘળા સાથ લીધા છે
લંબાવ્યા છે હાથ; છતાંયે પકડી લેશે રામ કબીરા
છાપ તિલક છબ ક્યાંથી છૂટે એ તો મારી જનમ-ગતી છે
અમથે અમથું શાને થાવું, મારે અલમસ્તાન કબીરા
બાવનની બાજીમાં ખેલો નાખ્યો છે તો રમી નાખશું
કહી મૂકું કે જવું નથી કંઈ મારે બાવન બ્હાર કબીરા
जैसी की तैसी ધરશું તો ચાદરનો શો અરથ રહેશે
‘લો આ મેલી દાટ’ કહીને ધરશુ રંગે હાથ કબીરા
તારે એક જ નામ હશે પણ
મારે આખું ગામ કબીરા
~ ધ્રુવ ભટ્ટ
‘તારે એક જ નામ હશે’થી શરુ થતું કાવ્ય નિવેદન સુમિરનની વાત કરે છે, ઇશ્વરની વાત કરે છે, પ્રીતમની અને પ્રિયતમાની વાત કરે છે. આ બધી વાતોમાં કોઈ એક છે પરંતુ મારે માટે તો તું એક નહીં પણ આખું ગામ છે. બધામાં ઈશ્વર જોવાની આ વાત છે. સામાજિક નિસ્બતનું પણ આ એક પ્રકારનું સુમિરન છે. કવિનું સમાજ દર્શન કાવ્યને આગળ ધપાવે છે અને વ્યક્તિગત માન્યતાઓ અને આસ્થામાં કાવ્ય પૂરું થાય છે. કવિની આંખો જુએ છે કે મુલ્લા- બ્રાહ્મણોએ તો ધર્મ કે આસ્થાને બહાને બધાં જ પહાડ પથ્થરોને ઈશ્વર માનીને સાથમાં લીધાં છે. હાથ લંબાવી લંબાવીને તેઓ અરદાસ ગુજારી રહ્યાં છે પણ તેઓને ખબર પણ ન પડે એમ છેવટે તો આ હાથોને રામ કબીર પકડી જ લેવાનાં છે. આ કેવો હશે પ્રભાવ રામકબીરા !
કાવ્ય વિકસે છે અને કવિનું નિવેદન આત્મદર્શના માર્ગે આગળ વધે છે. કવિ કહે છે કે કપાળમાં છાપ, તિલક અને હે પ્રભુ તારી આ છબી! આ તો બાહ્ય ક્રિયાકાંડ છે. આમાં અમથું અમથું મારે અલમસ્તાન શાને થવું? પણ પછી આ બધી સમજણને છોડીને કવિ elements માં આવે છે. જિંદગીને રસ અને સંકલ્પપૂર્વક જીવી નાખવાનો સિંહનાદ કરે છે. કવિ કહે છે કે બાવન પાનાંની આ બાજીમાં ખેલો નાખ્યો છે તો હવે બરાબર ખેલી લઈશું. હવે બાવનની બ્હાર જવું નથી. બાવનમાં રહીને રમવું છે, રંગાવું છે. આમ રમતાં રમતાં ભલે જિંદગીની ચાદર મેલી થઈ જાય તો એનો ગમ નથી. હતી તેવી ને તેવી ચાદર પ્રભુ પાસે જઈને પાછી ધરવાનો કોઈ અર્થ નથી. કવિ અંતમાં ઉમેરે છે કે
‘લો આ મેલી દાટ કહીને ધરશું રંગે હાથ કબીરા !
કવિની મસ્તી અહીં પરાકાષ્ઠાએ પહોંચે છે અને ભાવકને ભીંજવે છે. કવિવર્ય શ્રી ધ્રુવ ભટ્ટની આ એક મનનીય અને દાર્શનિક રચના વાચક માત્રને પ્રસન્ન કરનારી છે.
~ પ્રફુલ્લ પંડ્યા

Pingback: 🍀9 જુન અંક 3-1183🍀 - Kavyavishva.com
વાહ અપ્રતિમ રચના…
લો આ મેલીદાટ ચદર….પ્રફુલ્લ પંડયાએ સાચુ કહયું
ખૂબ જ સરસ કાવ્ય, અને એનો સરસ ઉઘાડ આદરણીય પ્રફુલ્લભાઈએ કરાવ્યો છે.
વાહ ખુબ સરસ રચના નો એટલોજ ઉત્તમ આસ્વાદ અભિનંદન કાવ્ય વિશ્વ ધ્રુવ દાદા ને પ્રણામ
વૈરાગ્ય અને મસ્તી… અદભુત રચના. આસ્વાદ પણ સુંદર છે
સરસ વાત 👍🏻👍🏻