ચારે કાંઠે સ૨વ૨ છલકે, નભ વરસાવે ફોરાં,
ગાતી નદીઓ, નાચે દરિયો, સૌ બોલાવે ઓરા-
ને તોય જીવણજી કોરા.
વાદળ કહે, લે પહેર મને ને ઝાકળ કહે કે પી,
ઝરણું કહેતું ધરી આંગળી, રમવા ચાલોજી
ઘર પણ બોલે, નેહે નેવાં નીતરે જો ને મોરાં-
ને તોય જીવણજી કોરા.
વાત એમ છે, આંસુ દીઠું એક દિવસ કો’ આંખે,
બસ, તે દિ’થી ભીંજાવાનું, આઘું આઘું રાખે-
પાણી મૂક્યું જીવણજીએ, ધખધખ ભલે બપોરા-
આ જીવણજી રહે કોરા.
~ નંદિતા મુનિ
લાગે વરસાદનું ગીત પણ આ છે વેદનાનું ગીત….

લતાબેન, તમે અદ્ભૂત રચનાઓ અમારા માટે શોધી લાવો છો તે બદલ સૌ ભાવકો વતી સાદર વંદન.
આભાર કિશોરભાઇ
નંદિતા મુનીની ભાવવાહી રચના. 💐
સરસ રચના
જીવણજી કોરા રહી જાય છે એ જ તો છે જીવનની કરુણતા. આ ગ્લાનિનો વિધાયક ઉપયોગ કરીએ તો પુરુષાર્થ તરફ ગતિ. ભાવસૌંદર્ય સાથેની પ્રેરણાનું અનોખું ગીત
ખુબ સરસ ગીત અભિનંદન કાવ્ય વિશ્વ
આભાર છબીલભાઈ
વેદનાને વાચા આપવા કેવાં કેવાં ઉપકરણો કવિ પ્રયોજે છે!અભિનંદન.
સરસ ગીત..