*જો હોય*
આવી જ એક ક્ષણ હોય,
સામે અષાઢધન હોય;
ફણગો ફૂટે અડકતાં જ
ભીનોભીનો પવન હોય;
જે તે ચણ્યું ગમે ના,
કાચું પીમળતું વન હોય;
ઊગી જવાય વાડે
જો આ ક્ષણે વતન હોય;
સિમેન્ટમાં ઢુંઢું છું :
એકાદ મીટ્ટીકણ હોય;
ઠરવા ચહે છે આંખો
હરિયાળું ક્યાંક તૃણ હોય;
બોલાવે ઘેર સાંજે
બાના સમું સ્વજન હોય.
~ ઉશનસ્
(28.9.1920 – 6.11.2011)
*પ્રભાત સૂર્યમાં*
આપણું પ્રાતના તાપમાં ચાલવું.
કેન્દ્ર લૈ ચરણમાં
ઈન્દ્રધનુ વરણમાં
કો અનાવરણમાં
વ્યોમના વ્યાસના વ્યાપમાં ચાલવું !
તેજ-છાયા-વણી
બિંબ-બિંબો તણી
ચો-ભણી ગૂંથણી,
આપણું કો મહાખાપમાં ચાલવું !
રેખનું ખરી જવું,
રૂપનું ગળી જવું,
આપમાં મળી જવું,
આપણું આપણા આપમાં ચાલવું !
આપણું પ્રાતના તાપમાં ચાલવું.
~ ઉશનસ્
(28.9.1920 – 6.11.2011)
સાદર સ્મરણ વંદના.
ખૂબ સરસ ગઝલો. સ્મૃતિ વંદન.
ખુબજ સરસ અભિનંદન કાવ્ય વિશ્વ સ્મ્રુતિવંદન
વાહ, ખુબ સરસ રચનાઓ 🙏🙏🙏