🥀🥀
પ્રભુના શીશ પર મારું સદન થઈ જાય તો સારું,
ભલે ગંગા સમું એ મુજ પતન થઈ જાય તો સારું…
નહીં તો દિલ બળેલાં ક્યાંક બાળી દે નહીં જગને,
પતંગાને શમા કેરું મિલન થઈ જાય તો સારું…
એ અધવચથી જ મારા દ્રાર પર પાછા ફરી આવે,
જો એવું માર્ગમાં કંઈ અપશુકન થઈ જાય તો સારું…
નહીં તો આ મિલનની પળ મને પાગલ કરી દેશે,
હ્રદય ઉછાંછળું છે જો સહન થઈ જાય તો સારું…
કળીને શું ખબર હોયે ખિઝાં શું ને બહારો શું,
અનુભવ કાજ વિકસીને સુમન થઈ જાય તો સારું…
જીવનભર સાથ દેનારા, છે ઈચ્છા આખરી મારી,
દફન તારે જ હાથે તન-બદન થઈ જાય તો સારું…
વગર મોતે મરી જાશે આ ‘નાઝિર’ હર્ષનો માર્યો,
ખુશી કેરું ય જો થોડું રુદન થઈ જાય તો સારું… – નાઝીર દેખૈયા
🥀🥀
તમે ગમગીન થઇ જાશો,ન મારા ગમ સુધી આવો;
ભલા થઈ ના તમે આ જીવના જોખમ સુધી આવો.
ભલે ઝાકળ સમી છે જિંદગી પણ લીન થઈ જાશું
સૂરજ કેરાં કિરણ થઈને જરા શબનમ સુધી આવો.
તમે પોતે જ અણધારી મૂકી’તી દોટ કાંટા પર
કહ્યું’તું ક્યાં તમોને ફૂલની ફોરમ સુધી આવો?
લગીરે ફેર ના પડશે અમારી પ્રિતમાં જોજો;
ગમે ત્યારે ગમે ત્યાં જિંદગીના દમ સુધી આવો.
નિછાવર થઈ ગયાં છે જે તમારી જાત પર ‘નાઝિર’;
હવે કુરબાન થાવા કાજ એ આદમ સુધી આવો. – નાઝીર દેખૈયા
🥀🥀
તમે ગમગીન થઇ જાશો, ન મારા ગમ સુધી આવો;
ભલા થઈ, ના તમે આ જીવના જોખમ સુધી આવો.
ભલે ઝાકળ સમી છે જિંદગી પણ લીન થઈ જાશું
સૂરજ કેરાં કિરણ થઈને જરા શબનમ સુધી આવો.
તમે પોતે જ અણધારી મૂકી’તી દોટ કાંટા પર
કહ્યું’તું ક્યાં તમોને ફૂલની ફોરમ સુધી આવો?
લગીરે ફેર ના પડશે અમારી પ્રિતમાં જોજો;
ગમે ત્યારે ગમે ત્યાં જિંદગીના દમ સુધી આવો.
નિછાવર થઈ ગયાં છે જે તમારી જાત પર ‘નાઝિર’;
હવે કુરબાન થાવા કાજ એ આદમ સુધી આવો.
– નાઝિર દેખૈયા
@@
હું હાથને મારા ફેલાવું તો તારી ખુદાઈ દૂર નથી
હું માંગુ ને તું આપી દે એ વાત મને મંજૂર નથી
આ આંખ ઉઘાડી હોય છતાં પામે જ નહિ દર્શન તારાં
એ હોય ન હોય બરાબર છે બેનૂર છે માહનૂર નથી
જે દિલમાં દયાને સ્થાન નથી ત્યાં વાત ન કર દિલ ખોલીને
એ પાણી વિનાના સાગરની નાઝિરને કશીય જરૂર નથી
~ નાઝીર દેખૈયા
સ્વરઃ મનહર ઉધાસ

નાઝીરની શ્રેષ્ઠ ગઝલો.
સદ્ગત શકાય નાઝિર દેખૈયાની દરેક ગઝલ મને ખૂબ ગમે છે. મનહરભાઈ એ ગાઈને એને ખૂબ જાણીતી કરીને એમને માન આપ્યું છે. સ્મૃતિ વંદન.
ખુબ શ્રેષ્ઠ ગઝલો નાઝીર દેખૈયા મનહરઉધાસ નો ભાવ વાહી અવાજ સોના મા સુગંધ સ્મ્રુતિવંદન