
*આ રસ્તો*
આ રસ્તો
મને ક્યારેક કઠે છે.
એની પાર જવાને હું મથું છું,
પણ એ મને પલોટે છે, રજોટે છે,
વેરે ને વિખેરે છે.
એની વચ્ચે જઈને માથું ઊંચકી શકાતું નથી.
એમાં હાલ્યાં જતાં
લોકોનાં ધણના ગોવાળિયા થવાતું નથી.
એની બાજુએ વૃક્ષ થઈને ઊગી શકાતું નથી.
અહીં જીવ્યા કરું છું,
પણ હું અહીંનો જીવ નથી.
અહીં જ રોજ રહેવાનું છે,
પણ રહેવાની રીત બદલી શકાતી નથી.
આ રસ્તે
માનવમોજાંની છાલક ઝીલતો
હું ખડક છું ખડક:
મારી જીભે ખારો સ્વાદ છે,
અને છતાં દિલમાં ઘૂઘવે છે
સાત સમંદર પાર જવાની અવિરત રટણા.
~ નીતા રામૈયા
‘હોવા’ની પીડા. શ્વાસ ચાલે છે એટલે આગળ જવું અનિવાર્ય, પણ આ રસ્તો ?? એના નડવાની ક્રિયા જીવન માટે કેવી પીડાદાયી છે એ વર્ણવવાનો સંતોષ થઈ શકે એ માટે કવિએ ચાર ક્રિયાઓ અહીં સહજ રીતે નિરૂપી દીધી. પલોટવું, રજોટાવું, વેરવું ને વિખેરવું… પણ ના તોય વાત અધૂરી છે. એ રસ્તે જતાં, ‘આમ થઈ શકતું નથી, તેમ થઈ શકતું નથી’ ને તોય જીવવું પડે છે એ દુર્ભાગ્ય ! આ દુનિયામાં જીવવાનું છે પણ આમ જ રહેવું પડશે એ નિયતિ ! અને છતાંય પોતાના ‘હોવા’નો અર્થ શોધવાની અવિરત રટણા તો ચાલુ જ….. જીવમાત્રની આ વાત !

અસ્તિત્વવાદના વિચારને કવિતામાં કુશલતાથી,સરસ રીતે રજૂ કરાયો.
સરસ કાવ્ય ખુબ ગમ્યુ આસ્વાદ પણ ખુબ સરસ
વાહ, જીવન વિષેની વાત-વેદના સરસ રીતે અભિવ્યક્ત કરી. આસ્વાદ સરસ.
ખુબ ઊંડાણ ભરેલું વાસ્તવ વાદી કાવ્ય.
Pingback: 🍀5 જુલાઇ અંક 3-1203🍀 - Kavyavishva.com
નીતા રામાણીના અછાંદસ કાવ્યની લઘુ સમીક્ષા ખૂબ ગમી. મનુષ્યનિયતિને યથાર્થ રીતે મૂકી આપી. અભિનંદન, લતાબહેન.
આભાર વંદન મનોહરભાઈ
Whatever is said above about this poem is most right I cannot add anything worthwhile. Dhanyvad
Thank you.
અસ્તિત્વની ધાર પર ગુંજતું કાવ્ય. ખૂબ સરસ