નીરવ પટેલ ~ જંતુ બનીને * Neerav Patel

જંતુ બનીને જીવવું ક્બૂલ છે-
મારે માણસ નથી બનવું.

મારે ઓછામાં ઓછી ઇન્દ્રિયો ચાલશે-
હું અમીબા બનીને જીવીશ.

મારે નથી જોઇતી પાંખો –
મારે આકાશ નથી આંબવું.

હું પેટે ઢસડાઇશ-
સાપ ગરોળી થઇને.

ભલે ફંગોળાઉં આકાશે-
ઘાસ કે રજકણ બનીને.

અરે, હું ક્રુઝોના ટાપુ પર-
ફ્રાઇડે બનીને જીવીશ.

પણ મારે માણસ નથી બનવું.
મારે અસ્પૃશ્ય માણસ નથી બનવું.
મારે હિન્દુ માણસ નથી બનવું.
મારે મુસ્લિમ માણસ નથી બનવું.

– નીરવ પટેલ

ચમાર જ્ઞાતિમાં જન્મી, સોમો નામ લઈને મોટા થયા પણ ચમાર અટક જ્યારે એક સામાન્ય જીવન જીવવામાં પણ નડતી હોય ત્યારે આગળ અભ્યાસ તો ભૂલી જ જવો પડે ! અને એમણે નીરવ પટેલ નામ ધારણ કરી લીધું. એમની કવિતાઓને પ્રતિબદ્ધ કવિતા કે એવું કોઈ લેબલ કેમ આપવું ? કેમ કે આ સમુદાયને જીવવાનું જ અઘરું હતું ત્યારે એમણે એ જ કહ્યું જે જીવ્યા, જે અનુભવ્યું, જે એમને અને એમની જાતિના લોકોને સમાજ પાસેથી મળ્યું. એમની કવિતા બસ એમની કવિતા છે. એમની કવિતામાં એમનું જીવન છે, સમાજ સામે આક્રોશ છે, અન્યાય સામે સંવેદનશીલ માણસની આરપાર ઉતરી જાય એવી ચીસ છે. 

‘મને જંતુ બનવું કબુલ છે પણ મારે માણસ નથી બનવું !’ આનાથી વધુ પીડાકારી શું હોઇ શકે ? ‘મારે હિન્દુ માણસ નથી બનવું, મારે મુસ્લિમ માણસ નથી બનવું !’ આવો આક્રોશ આનાથી વધારે અસરકારક રીતે વ્યક્ત ન થઈ શકે ! એમણે બસ વિધાનો મૂક્યા છે અને એની પાછળ બાળી નાખતી દાહકતા છે જે આ શબ્દોને હાડોહાડ કવિતામાં પલટે છે. 

કવિ નીરવ પટેલે ‘ગુજરાતી દલિત પોએટ્રી’ પર Ph D કર્યું.  એમના બે કાવ્યસંગ્રહો અંગ્રેજીમાં ‘બર્નીંગ ફ્રોમ બોથ ધ એન્ડ્સ’ અને ‘વોટ ડીડ આઈ ડુ ટુ બી બ્લેક એન્ડ બ્લ્યુ’ તથા ગુજરાતીમાં ‘બહિષ્કૃત ફૂલો’ પ્રકાશિત થયા છે જે પુરસ્કૃત થયા છે. 

સાભાર ~ ‘બહિષ્કૃત ફૂલો’ કાવ્યસંગ્રહ

2.12.20

*****

પ્રફુલ્લ પંડ્યા

13-04-2021

આજની અન્ય કાવ્યપ્રસાદીઓમાં સર્વશ્રી નીરવ પટેલની માણસ હોવાની એક ચીસ સંભળાય છે.કાલિંદીબેન પરીખ અને શ્રી દલપત પઢિયાર પણ અનેરા કાવ્ય સાક્ષાત્કારો સાથે રંગ જમાવે છે અને આનંદના ઉપવનમાં દોરી જાય છે.આ તમામ કાવ્યોમાંથી પસાર થયાં બાદ એમ કહેવાનું મન થાય છે કે ” કવિતાનાં ઉપવનમાં હવે કોઈ એકલું નથી.સરસ કાવ્યો પીરસવા માટે હાર્દિક અભિનંદન ,લતાબેન !

પ્રફુલ્લ પંડ્યા

13-04-2021

ખાસ વિનંતી : નીરવ પટેલનાં અંગ્રેજી કાવ્ય સંગ્રહો વિશે પણ કાવ્ય વિશ્વ પાસેથી અપેક્ષા રહે છે… પ્રફુલ્લ પંડ્યા

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

1 thought on “નીરવ પટેલ ~ જંતુ બનીને * Neerav Patel”

Scroll to Top