નીરવ પટેલ ~ ત્રણ કાવ્યો * Neerav Patel

🥀 🥀

મારા શામળિયે મારી હુંડી પૂરી-
નીકર બબલીના ગવનનું આણું શેં નેંકળત?

ચાવંડાની બાધા ફળી
ને જવાન જોધ ગરાહણી ફાટી પડી …
એની ઠાઠડીને ઓઢાડ્યું રાતું ગવન !

રાતીચોળ ચેહ બળે
ને આકડાના છોડે રાતું ગવન લહેરાય !

બબલીની મા તો જે મલકાય, મારી હાહુ…
બસ, ડાઘુઓની પૂંઠ ફરે કે ધોડું હડડ મસાણે,

મારો ભંગિયાનો ય બેલી ભગવાન !

~ નીરવ પટેલ (2.12.1950 – 15.5.2019)

🥀 🥀

કયા શેતાન શિલ્પીએ જન્મતાં વેંત જ
ત્રોફી દીધું છે મારું નામ મારા કપાળે?
મારી રક્તવાહિનીઓમાં ચાકુ ઝબોળી ઝબોળી
ઝાડના થડની છાલમાં કોતરતા હો એમ
તમે શીદ મારી સંજ્ઞાને કોર્યા કરો છો?

મારે તો ભૂલી જવું’તું મારું નામ –
એટલે જ તો મધરાત માથે લઈ એક વાર
ઘરગામ છોડી ભાગી નીકળ્યો’તો શહેર ભણી.

અહીં આવીને મેં
મારા નામની છડી પોકારતા સાવરણાના વાંસડે તો
ફરકાવ્યો’તો ઇન્કિલાબનો ધ્વજ!
મારા નામના બંધારણના અણુએ અણુને
મેં ઓગાળી દીધા છે
કૉસ્મોપૉલિટન કલ્ચરના દ્રાવણમાં.

મારા નામની કાંચળી ઉતારી
હું નિર્મળ ને નવીન બની ગયો છું
નહિ શોધાયેલા કોઈ તત્ત્વ જેવો.
માઇક્રોસ્કોપની આંખને પણ મારી ઓળખ રહી નથી.
પણ ગીધ જેવી તમારી આંખની ચાંચ
શીદ હરહંમેશ મારા નામના મડદાને ટોચ્યા કરે છે?

અરે, મને તો દહેશત છે –
મારી ચિતા સાથે પણ નહિ મરે મારું નામ?

~ નીરવ પટેલ (2.12.1950 – 15.5.2019)

🥀 🥀

ફરમાન હોય તો માથાભેર,
ફૂલોને કાંઈ બીજું કહીશું
મહેક થોડી મરી જવાની છે?
અને આમને ફૂલ કહીશું
ગંધ કાંઈ થોડી જવાની છે?

ગામ હોય ત્યાં ફૂલવાડો તો હોય.

આ ફૂલો સદીઓથી અંધકારમાં સબડતાં હતાં.
કદીક ચાંદની રાત મળે તો પોયણાંની જેમ પાંગરતાં,
કદીક રાતરાણીની જેમ છૂપાછૂપા સુવાસ રેલાવતાં,
કદીક લજામણીની જેમ મૂંગામૂંગા રડતાં.

પણ આ સદીના સૂરજે સહેજ રહેમ નજર કરી
કે માંડ્યાં ટપોટપ ખીલવા.

રંગ તો એવા કાઢે કે પતંગિયાનેય પ્રેમમાં પાડે,
સુગંધ તો એવી છેડે કે મધમાખીય ડંખ ભૂલે,
બધે ફરી વળી છે આ વગડાઉ ફૂલોની ફોરમ:
સંસદમાં, સચિવાલયમાં, સ્કૂલો-કૉલેજોમાં.
જાણે એમના ઉચ્છ્વાસથી જ છે
પ્રદૂષિત પર્યાવરણ બધું.

ગામ હોય ત્યાં ફૂલવાડો હોય
એ તો સમજ્યા,
પણ હવે ઝાઝો નહિ જીરવાય આ ફૂલફજેતો.

રાષ્ટ્રપતિના મોગલ ગાર્ડનમાં ભલે મહાલે આ ફૂલો
પણ આ ફૂલો નાથદ્વારામાં તો નહીં જ,
ગાંધીજીએ છો માથે ચઢાવ્યાં એમને.
કચડી કાઢો, મસળી કાઢો
આ અસ્પૃશ્ય ફૂલોને.

પણ ફૂલો વગર પૂજા કેમ કરશું?
મનોરથના હિંડોળા કેમ ભરશું?
ભદ્ર પેટદેવને કેમ રીઝવશું?
આ ફૂલોના પમરાટથી તો પુલકિત છે
આપણાં પાયખાનાં જેવાં જીવન.
આ તો પારિજાત છે પૃથ્વીનાં,

રેશમના કીડાની જેમ
ખૂબ જતનથી ઉછેરવો પડશે આ ફૂલવાડો
ગામેગામ ને શહેરેશહેર.

એટલે સરકાર મા-બાપનું ફરમાન હોય તો માથાભેર –
ફૂલોને કાંઈ બીજું કહીશું,
મહેક થોડી મરી જવાની છે?
અને આમને ફૂલો કહીશું,
ગંધ કાંઈ થોડી જવાની છે?
ગામ હોય ત્યાં ફૂલવાડો તો હોય.

~ નીરવ પટેલ (2.12.1950 – 15.5.2019)

આ કાવ્ય કવિ નીરવ પટેલના અવાજમાં સાંભળો

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

2 thoughts on “નીરવ પટેલ ~ ત્રણ કાવ્યો * Neerav Patel”

Scroll to Top