નેહા પુરોહિત ~ થૈ જતો * Neha Purohit

સ્વર ભીતરમાં એકધારો થૈ જતો
કાશ, એ રીતે તું મારો થૈ જતો,

એ પછી વળગી જતાં સ્મરણો અને,
એ સમય એથી જ તારો થૈ જતો,

શાંત જળમાં કાંકરી ફેંક્યા કરી
જળ નહીં વિહવળ કિનારો થૈ જતો,

મૌન મારું બોલવા જો લાગશે
શબ્દ નિર્ધન ને બિચારો થૈ જતો,

હાથ રાધાનો બને છે વાંસળી
મીરાં માટે એકતારો થૈ જતો.

~ નેહા પુરોહિત 

આ ગઝલ એવું વિશ્વવિષયવસ્તુ– પ્રેમની મધુરતા અને પ્રેમની તડપ – લઈને આવી છે જેને માનવી જીવનમાં લગભગ એકવાર તો પામે છે અથવા પામવા ઝંખે છે…. નાયિકાના હૈયામાં મધુરું સંગીત ગુંજ્યા કરે છે, ભીતરનો સ્વર અવિરામ રણક્યા કરે છે … એ એકતારો વાગ્યા જ કરે છે. સ્વરના એકધારાપણાથી નાયિકા કદાચ એમ કહેવા માંગે છે કે તારા પ્રત્યેના મારા પ્રેમમાં કોઇ ભરતી-ઓટ નથી… પણ આ સ્થિતિ શું બંને બાજુ સરખી છે ? શું તુંયે એવું અનુભવે છે ખરો ? બહુ સ્વાભાવિક છે કે પ્રેમી સામેના પાત્ર પાસેથીયે એટલી જ ઉત્કટતાની અપેક્ષા કરે !! લાગે છે કે એમાં એને શંકા છે એટલે જ એ કહે છે, ‘કાશ, તું પણ એ જ રીતે મારો થૈ જતો હોત! અહીં ‘કાશ’ શબ્દ થોડી નિરાશાનો સુચક છે.

કવિ કહે છે, અગર મારું મૌન બોલવા લાગશે તો શબ્દ નિર્ધન ને બિચારો થઇ જશે.. અહીં મૌનની તાકાત અને શબ્દની મર્યાદા સૂચવી દીધી છે. સાચી વાત છે ઘણી વાર સો વારનાં મનામણાં અને વિનંતિઓ કરતાં એક વારનું રિસામણું વધારે અસરકારક બની જાય છે.એ પછી પ્રેમીને પ્રેમિકાની વાત માનવી જ પડે છે.

દિવ્ય ભાસ્કર > કાવ્યસેતુ 72 > 5 ફેબ્રુઆરી 2013 (આસ્વાદ લેખ ટૂંકાવીને)

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

6 thoughts on “નેહા પુરોહિત ~ થૈ જતો * Neha Purohit”

  1. જ્યોતિ હિરાણી

    બહુજ સુંદર ગઝલ, પ્રેમ ના ભાવ ને વિવિધ રીતે નિરુપયો છે, જે ગઝલ ને જુદો જ ઉઠાવ આપે છે

Scroll to Top