
પતંગિયા તો
વૈશાખે તો માઝા મેલી, ધરતી લાગે અગનપથારી, જાણે ઈશ્વર કોપ્યા,
લોક કરે ફરિયાદ, ને છોડી ફુલપથારી પતંગિયા તો ઊંચે આભે પહોંચ્યાં.
સહુથી પહેલાં રજકણ સઘળાં ઝડીઝાપટી નાખ્યાં, કીધી ચોખ્ખી આભઅટારી,
લોક બધાંએ આકળવીકળ, પૂછે, ક્યાંથી ખરી રહી છે આવી રજફુવારી?
વંટોળે હેવાયાં સહુએ આંખે અચરજ ઘોળ્યાં..
પતંગિયા તો ઊંચે આભે પહોંચ્યાં.
વાદળ પર વિસામો લીધો સહેજ, ત્યાં તો ગડગડ ગાજ્યાં, ભેટી-ભેટી વરસ્યાં,
પતંગિયાએ હેત કરીને છુટ્ટી પાંખે સાતસાત રંગ હરખેહરખે વેર્યા.
લોક બધાંએ ભાન ભૂલીને હૈયેહૈયાં જોડ્યાં..
પતંગિયા તો ઊંચે આભે પહોંચ્યાં.
~ નેહા પુરોહિત
આકરા તાપ પછી મેઘરાજાએ હરખ થાય એવા મંડાણ કર્યા છે, ત્યારે નેહાનું આ કાવ્ય ‘ઊની ઊની રોટલી’ની જેમ અને જેવું પીરસાયું છે. યાદ આવે છે? ‘આવ રે વરસાદ, ઢેબરિયો પરસાદ, ઊની ઊની રોટલી ને કારેલાનું શાક.’
આજે સવારમાં બાજુના બગીચામાં ચાલવા ગઈ ત્યારેય એક એક પાન નહાઈ-ધોઈને એવું મજાનું ચમકતું હતું! મન પણ એવું જ થઈ ગયું ને મળ્યું આ ગીત! કુદરતનો કરિશ્મા જ આ છે, દર વરસે આવું જોતાં જ હોઈએ અને તોય હેલે ચડેલો પવન હૈયું ન ડોલાવે એવું બને?? ખીલેલા રંગો જોઈને આંખ અચરજથી ન ભરાય એવા અભાગિયા જીવ હશે???
મજા આવી ગઈ નેહા….

Pingback: 🍀27 જુન અંક 3-1195🍀 - Kavyavishva.com
ખુબ સરસ કાવ્ય ખુબ ગમ્યુ
સાદર આભાર.
આંખે અચરજ ઘોળ્યાં …
સરસ કલ્પનો. મનભાવન રચના👌👌👌
લાંબા લયની તાજી મજા
ખૂબ જ સરસ ઉનાળના તાપથી તપેલી ધરતી પછી વરસાદથી કેવી સુખ અનુભવે એનું સુંદર ગીત.
વરસાદના વધામણાં કરતું સરસ ગીત
‘લોક બધાંએ આકળવીકળ, પૂછે, ક્યાંથી ખરી રહી છે આવી રજફુવારી?’ સરસ રચના.
વાહ નેહા બેન