પાર્થ તારપરા ~ પાણી અને બરફ

પાણી અને બરફ વિશે ~ પાર્થ તારપરા

પાણી અને બરફ વિશે જે એક ભેદ હોય,
આંસુ અને ડૂમામાં ફક્ત એ રહેલ હોય.

આખું નગર જોઈ રહ્યું છે રાહ જેમની
એવું બને એ આવી ને ચાલી ગયેલ હોય.

પહોંચી શકાય ત્યાં બધે પહોંચી જવાય નહીં,
થોડીક દૂરતા હો, ભલે એક વેંત હોય

માણી રહી છે જિંદગી એવી રીતે મને,
જાણે કૃપાળુ એના ઉપર કામદેવ હોય.

ભાગી છૂટે તો કેટલી હો-હા કરી મૂકે,
આ ટેરવાંની જેલમાં જે સ્પર્શ કેદ હોય.

માથું મૂકાય એવાં ખભા તો ઘણા મળે,
આંસુ મૂકાય એવાં ખભા એક બે જ હોય.

પાર્થ તારપરા

આંસુ અને ડૂમાના ભેદને આ  રીતે કોઈએ નહીં સમજાવ્યો હોય ! આ કવિકલ્પના ! વાહ…. તો ત્રીજા શેરમાં સમજણની વાત. ભલે સાંભળી હોય અનેકવાર પણ આ રીત જુદી જ ! તો છેલ્લા બે શેર, ક્યા કહેના ! કમાલ કવિ !

OP 1.6.22

***

આભાર

03-06-2022

ખૂબ ખૂબ આભાર ડો. કીર્તિચંદ્રજી, રેણુકાબેન. જયશ્રીબેન અને છબીલભાઈ

‘કાવ્યવિશ્વ’ના સૌ મુલાકાતીઓનો આભાર

Jayshree Patel

02-06-2022

સુંદર અંતિમ પંક્તિઓ ને સલામ

માથું મૂકાય એવાં ખભા તો ઘણા મળે,
આંસુ મૂકાય એવાં ખભા એક બે જ હોય.

જરૂર માનવને જરૂર છે તેવા ખભાની👌👍

રેણુકા દવે

01-06-2022

સરસ ગઝલ ..!
જૂની કલ્પનાઓ માં નવી વિભાવના ખૂબ ગમી.
Keep it up

છબીલભાઈ ત્રિવેદી

01-06-2022

પાર્થ તારપરા નુ કાવ્ય ખુબજ ગમ્યું આંસુ અને ડુમો અેકપાણી અેક બરફ અદભુત કલ્પના અેક પ્રવાહી અેક ઘન વાહ વાહ કમાલ ખુબ ખુબ અભિનંદન આભાર લતાબેન

કીર્તિ ચંદ્ર શાહ

01-06-2022

આ ટેરવા ની જેલ માં કેદ…. વાહ સુંદર

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top