(એની) માફી હૈ તમે તો સૌ માગજો પવીતર થાજો ધોઈ પાય,
અંતર મેલાંને કરો ઊજળાં જોગીડો માગે છે જવાબ.
કર બે હતા પણ કામ નો કર્યા, પાંવ રે હતા તે ખેડ્યા નહિ પંથ,
જીભ રે હતી ને અસત્ ભાખિયા, આંખ્યું રે હતી ને ફર્યા થઈ અંધ.
માફી રે શ્રવણ કરી માગો, સુણ્યો નહિ ગરીબોનો સાદ,
લક્ષ્મીદેવીને પાયે લાગજો, દીધી નહિ દુ:ખિયાને દાદ.
કલમશાહીની માફી રે માગો લખ્યા હોઈ ખોટો ચોપડામાં લેખ,
સહી રે લઈને અભણ છેતર્યાં, માથે ખોટ સાક્ષી મેખ.
વ્યાજ રે ખાધાં હોય જો વાણિયા, તોળવામાં કીધા ખોટા તોલ,
હજારો નફો રે કીધો. હરામનો, અંતે તારા હૃદિયાને ખોલ.
કણના કોઠારે કીધા સંઘરા, આપ્યાં નહીં ભૂખ્યાંને અનાજ,
વાટું રે જુએ છે કપરા કાળની, ને ખાધા પેટ ભરીને સમાજ.
માફી રે ભૂમિની માગતી, પ્રાચીન કીધાં તજી રાજપાટ,
શ્રીમંત હજી કાં નવ ચેતતા? ઉઘાડો ને દીધેલાં કબાટ.
હિસાબ લેવા રે દખણ દેશનો આવ્યો છે બાવલિયો અવધૂત,
સોંપી રે દિયો ને કાળા ચોપડા, ભડકા થાશે નહીંતર ભૂત.
અણ રે સમજ થઈ અંધને, દોહ્યલું કઘાટું લાગ્યું અરે દૂધ,
આવું રે ગળે આ ક્યાંથી ઊતરે, સઘળી ખવાઈ ગઈ છે સૂધ
પીંગળશી કે’ હજી પરિયાણમાં બેઠા કાં થઈને બધિર,
વેળા રે રે’શે નહીં એકેય વાતની, તાણિયાં છે કાળે જબરાં તીર.
~ પીંગળશી ગઢવી (27.7.1914-31.5.1998)
પોરબંદરના વતની પિંગળશી બ્રહ્માનંદ ગઢવી ગુજરાતના લોકગાયક અને લોકસાહિત્યકાર હતા.
તેમનું વિવિધ પ્રકારનું લોકસાહિત્ય ગુજરાતી ટેલિવિઝન ચેનલો અને રેડિયો કાર્યક્રમોમાં નિયમિત પ્રસારિત કરવામાં આવતું હતું.
તેમણે ખમીરવંત માનવી (1972), ચંદા દર્શન (1991), વેણુદાદા (1978), ગાંધીકુલા (1969), મહાત્મા ગાંધીના પૂર્વજો વિશે અને કેટલાક ગીતો, ખમીરવંતી કથાઓ (1996), ભવની ભેટ (1998), બહારવટિયો ભૂપત (1978) જીવતરના જોખ (1996), મૃત્યુનો મલકાટ (1996) જેવી ટૂંકી વાર્તાઓ લખી છે.
સત્યમ્ શિવમ્ સુંદરમ્ (2000) નામનું પુસ્તક, તેમના સન્માનમાં, તેમના પુત્ર લક્ષ્મણ દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યું હતું.
ગુજરાતી લોકસંગીતમાં ફાળો આપવા બદલ તેમને 1990માં સંગીત નાટક અકાદમીનો પુરસ્કાર મળ્યો હતો.
કવિના જન્મદિને સ્મૃતિવંદના…
OP 27.7.22
***
Meena Jagdish
31-08-2022
ઈશ્વર તરફથી મળેલા મોંઘા માનવ દેહ અને જીવનનો પરમને પામવાને બદલે ક્ષુલ્લક અને ખોટી વાતો માં વેડફી નાખવા સામે સાવચેત કરતી સુંદર કવિતા…🙏🏻🙏🏻🙏🏻
આભાર
01-08-2022
આભાર છબીલભાઈ અને મીનાબહેન
‘કાવ્યવિશ્વ’ની મુલાકાત લેનાર સૌ મિત્રોનો આભાર
છબીલભાઈ ત્રિવેદી
27-07-2022
કવિ ના જન્મદિને સરસ મજાની રચના આભાર લતાબેન
