હે ભુવન ભુવનના સ્વામી,
આ ઝરે આંસુની ધાર, દીન પોકાર,
પુનિત હે પાવન નામી!
હે ભુવન ભુવનના સ્વામી
આથમણી આ સાંજ ભૂખરી ઝાંખી ધૂસર,
રે અંધ આંખ સૌ અંગ ધ્રૂજતાં ભાંગ્યાં જર્જર;
અને પગલે પલપલ થાક લથડતાં ડગમગ થરથર.
એને લિયો ઉઘાડી દ્વાર, પરમ આધાર,
શરણ રે’ ચરણે પામી!
હે ભુવન ભુવનના સ્વામી…
અંતરમાં સ્મરણો અગણિત શાં સૂતાં પલપલ,
એ જાગી દેતાં દાહ, દુઃખદાવાનલ પ્રજ્વલ,
એને અંક ધરી દો શાંતિ – સુખ, હે શીતલ વત્સલ!
અને દિયો અભયનાં દાન, સુધાનાં પાન
અમલ, હે અન્યર્યામી!
હે ભુવન ભુવનના સ્વામી….
~ પિનાકિન્ ઠાકોર 24.10.1916 – 24.11.1995
રાજેન્દ્ર-નિરંજન પછી પિનાકિન ઠાકોરનું નામ યાદ આવે, એમનાં ગીતો એ એમની વિશિષ્ટતા, રાજેન્દ્ર-નિરંજન ગુજરાતી કવિતામાં આકાશની જેમ છવાઈ ગયા, આ આકાશમાં અનેક વાદળો હતાં એમાંનું એક જલસભર વાદળ તે પિનાકિન્ ઠાકોર. કાવ્યસંગ્રહ ‘આલાપ’ અને અન્ય … ~ સુરેશ દલાલ

મૃત્યુ પહેલાંની આરત.