કવિ ભાગ્યેશ જહા લખે છે, “સાહિત્ય કે કવિતા લખવી એ મારો શોખ નથી. કવિતા મારો વિસામો છે. કવિતા મારી હાશ છે. મારું ઓશીકું છે. હું કંટાળું ત્યારે સાહિત્ય પાસે જાઉં છું. દ્વિધામાં હોઉં ત્યારે સાહિત્ય પાસે જાઉં છું, આનંદમાં-સુખમાં અને દુખમાં પણ સાહિત્ય પાસે જાઉં છું. સાહિત્ય મને આત્મસાક્ષાત્કાર સુધી પહોંચાડે છે.”
કવિના કાવ્યસંગ્રહોમાંથી પસાર થતાં કવિનું ભાવવૈવિધ્ય અને વાસ્તવ જગતનું દર્શન મન પર એક ઊંડી અસર છોડી જાય છે. કવિતામાં એમનો પ્રકૃતિપ્રેમ અનેક છટાએ ઊઘડે છે. દૃશ્યોને જીવંત બનાવવાની કલા કવિ પાસે છે. જુઓ,
‘સવારે એક દેવચકલીની પાંખમાંથી
થોડો આકાશી સ્પર્શ ખરે છે ત્યારે
આંગણામાં વેરાયેલા તડકામાં ભરતી આવે છે.
કે પછી
ચાંદનીમાં પગ બોળીને ઊભેલી રાત
એના ચ્યુઇંગમ ચાવતા મોં ઉપર
ઓળેલા રૂપેરી વાળ જેવા વાદળાને જોઉં છું.’
હાસ્ય અને કટાક્ષ કવિનું બહુ મોટું જમા પાસું છે. ‘એકટીવીસ્ટો’ પર લખાયેલા કાવ્યનો અંશ જુઓ. આમ તો આ કાવ્ય કવિના મુખે સાંભળવાનો એક લહાવો છે.
‘કરવાનું શું ?
થોડી ઉધાર લો અંગ્રેજી
થોડી મેલી રાખો સાડી
થોડાં ટોળાં, થોડાં સૂત્રો
થોડી સાદી રાખો ગાડી….’
સંસ્કૃતના પંડિત અને ભગવદગીતાના અઠંગ અભ્યાસી (કવિએ હમણાં જ શ્રીમદ ભગવદગીતા પર Ph D કર્યું) એવા આ કવિની કલમેથી આ વાત વાંચવી કેટલી સારી લાગે !
‘બધું ડોલરથી ખરીદી શકાય
તેવી તમારી શ્રદ્ધા છે.
અમે ગીતા અને કાલિદાસ અને આંસુના માણસ છીએ.’
કર્મનો સિદ્ધાંત કવિ આમ નિરૂપે છે,
‘હે કર્મેશ્વર
અથક અને અકથ્ય ઝાડીઓમાં થઈને
વહી આવ્યું છે કર્મજળ !’
‘ટ્રાફિક સિગ્નલ’, ‘હોર્ન’, ‘ગાય અને કરફ્યુ’ કે ‘ચશ્માં’ જેવા હટકે વિષયો પર કવિતા આપતા આ કવિ ક્યાંક સ્મૃતિઓના વન ઝંઝેડે છે, શાસ્ત્રો-પુરાણોના મિથ ઉઘાડે છે તો માનવીની મતિ અને ગતિ કવિની કવિતાથી દૂર રહી શકતાં નથી.
‘એના સાતેસાત અશ્વોની હણહણાટીથી
સપનાંની એક વણઝારમાં
માનવજાત ગોઠવાતી જાય છે.
સુરેશ દલાલે લખ્યું છે, “ભાગ્યેશ જહા શબ્દને શોધતા નથી, શબ્દ તેમને શોધતો આવે છે.” IAS બનીને સરકારમાં વહીવટી ઉચ્ચ હોદ્દે કામ કર્યા પછી પણ સંવેદનશીલતા જળવાઈ રહે અને કવિતા અવતરતી રહે એ ક્યાંક ઊંડી નિસબત અને વ્યાપક સંવેદનશીલતાનું પરિણામ છે.
કવિ પિયુષ ચાવડાએ કવિ ભાગ્યેશ જહાની અછાંદસ કવિતા પર સરસ અભ્યાસ રજૂ કર્યો છે. ત્રણ કાવ્યસંગ્રહો ‘પહાડ ઓગળતા રહ્યા’, ‘મીરાંની જેમ મને મળજો’, અને ‘સંકોચાયેલું મૌન’માંથી કુલ 51 અછાંદસ કાવ્યો સાથે એક સરસ પુસ્તક કાવ્યસાહિત્યને આપ્યું છે.
‘કાવ્યવિશ્વ’માં હૃદયપૂર્વક સ્વાગત છે
‘બધું જ કાવ્યમય લાગે છે’ (ભાગ્યેશ જહાની ચૂંટેલી અછાંદસ કવિતાઓ) * ચયન ડો. પિયૂષ ચાવડા * ગુજરાત સાહિત્ય અકાદમી 2024
***
કવિના અન્ય કાવ્યો વાંચવા ‘સર્ચ’માં આપો ભાગ્યેશ જહા
વાહ ખુબ સરસ અભિનંદન
આદરણીય ભાગ્યેશ જહા સાહેબને શુભેચ્છાઓ. એમને વારંવાર સાંભળવાનો લ્હાવો મળ્યો છે. એમની ‘સેન્સ ઓફ હ્યુમર’ મજા કરાવે છે.