પુરુરાજ જોશી ~ બે રચનાઓ * Pururaj Joshi

🥀 🥀

લ્હેરતાં’તાં લીલાંછમ વંન જ્યહીં રોજ, આજ એકાદી કૂંપળ ના મ્હોરતી
દૃશ્યો તો ખરી ગયાં ક્યારનાં યે ચલ્લી તું ખાલીપો કાચનો કાં કોરતી?

ઝીલ્યાં છે મેઘધનું છાતી પર કોઈ દિ’ તેં
આંજ્યું છે આંખે આકાશને?
મુલાયમ સૂરજો ને પીધા છે ટેરવે કે–
હોઠોથી સ્પર્શી છે પ્યાસ ને?

શ્વાસોના ઘૂઘવતા સાગર સૂંધ્યા છે કદી? સાંભળી છે રોમ-વેલ કોળતી?
દૃશ્યો તો ખરી ગયાં ક્યારનાં યે ચલ્લી તું ખાલીપો કાચનો કાં કોરતી?

ખીલતી’તી રાતરાણી ભર રે બપ્પોર અને
કેસૂડો કોળતો’તો રાતમાં!
ફાગણના દ્હાડામાં ઝરણાં ફૂટતાં’તા ને
ખીલતો’તો ચાંદો પ્રભાતમાં!

મટકું યે માર્યા વિણ સુણતી’તી રાત અને ભીંતો એ વાતો વાગોળતી!
લ્હેરતાં’તાં લીલાંછમ વંન જ્યહીં રોજ, આજ એકાદી કૂંપળ ના મ્હોરતી

મોગરાની ડાળખી શા અડતા’તા હાથ
ત્યારે લાગતું’તું હું ખુદ સુગન્ધ છું
ગુલમ્હોરી કાયાને ભાળતો’તો રોજ
હવે આંખો છતાં ય જાણે અન્ધ છું

વહી ગયાં લીલીછમ વેળાનાં વ્હેણ હવે સૂક્કીભઠ શૈયાઓ સોરતી
દૃશ્યો તો ખરી ગયાં ક્યારનાં યે ચલ્લી તું ખાલીપો કાચનો કાં કોરતી?

~ પુરુરાજ જોશી (14.12.1938 – 12.12.2020)   

🥀 🥀

બે-ચાર છાંટાથી છીપે એવી નથી મારી તરસ;
તારે વરસવું હોય તો આકાશ, મન મૂકી વરસ.

નાખ છત્રીને ધરામાં નિર્વસન થઈને નીકળ,
આવું ચોમાસું ભલા, ન આવતું વરસોવરસ.

મધમધું હેમ થઈ, ને ઝગમગું સૌરભ બની,
તું મને સ્પર્શે તો મિતવા આવ, એ રીતે સ્પરશ.

અંગ પરથી વસ્ત્ર જળની જેમ સરતાં જાય છે,
કોણ સામે તીર બજવે બાંસુરી એવી સરસ!

સાંકડે મારગ મદોન્મત્ત હાથણી સામે ખડો,
કાં છૂંદી નાખે મને, કાં મસ્તકે ઢોળે કળશ!

~ પુરુરાજ જોશી (14.12.1938 – 12.12.2020)   

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

3 thoughts on “પુરુરાજ જોશી ~ બે રચનાઓ * Pururaj Joshi”

  1. ઉમેશ જોષી

    બન્ને રચના ખૂબ સરસ…
    કવિ ને સાદર સ્મરણ વંદના.

  2. બે-ચાર છાંટાથી છીપે એવી નથી મારી તરસ;
    તારે વરસવું હોય તો આકાશ, મન મૂકી વરસ.
    ખુબ સુંદર રચના કવિશ્રી
    પાત્રો બદલાતા જાયછે તરસ હજી ભીનાશ
    પામતી નથી ને યુગો ની તરસ નદી સ્વરૂપે
    વહ્યા કરે તો પણ કદી રોકાતી નથી
    કે બી

Scroll to Top