પુષ્પા વ્યાસ ~ નજર કરું * Pushpa Vyas

નજર કરું ત્યાં નારાયણ ને હાથ ધરું ત્યાં હરિ
પગ મૂકું ત્યાં પુરુષોત્તમ ઘર, એ ઘરમાં હું ઠરી.

હૈયાદૂબળી હું ને પાછી, મોઢે મોળી ખરી
દીવો પ્રગટ્યો ત્યાંતો – ટવરક ટવરક વાતું કરી !

ઘંટી પાણી વાસીદું ને ચૂલો ઘરવખરી
જ્યાં જ્યાં કામે લાગું ત્યાં ત્યાં મંદિર ને ઝાલરી !

ભવખેતરને ખેડી રાખ્યું, કૂવો કાંઠા લગી
મેં તો વાવી જાર, ઊગ્યા મોતી ફાંટુ ભરી !

અણસમજીમાં જે કંઇ વાવ્યું, બાવળ કે બોરડી
પાછું વાળી જોઉં ત્યાં તો આંબા ને મંજરી !

પોથી પુસ્તક શાસ્ત્ર પુરાણે, સાવ જ કાચી ઠરી
ઢાઇ અક્ષર ધાગો કાઢું, તેની તકલી ભરી !

આંગણ વાવું કદંબિયો ને ઘટમાં યમુના ભરી
પંડ અમારું વાંસલડી ને ફૂંક વાગશે ફરી !

– પુષ્પા વ્યાસ

આજે જન્માષ્ટમી, કૃષ્ણજન્મનો ઉત્સવ. આપણે ત્યાં હરિકાવ્યો ખૂબ લખાયા છે, એટલે સુધી કે કવિ ધીરુભાઈ પરીખે એવું કાવ્ય રચ્યું, ‘હરિ ચડ્યા હડફેટે’

આજે આપણે એવું હરિકાવ્ય માણીએ, લાગે કે જાણે રચયિતાએ રોમેરોમ અનુભવ્યું છે. પુષ્પાબહેન આપણા ખૂબ જાણીતા કવિ ત્રિભુવન વ્યાસના દીકરી પણ એકદમ લો પ્રોફાઇલ એમનું વ્યક્તિત્વ. જુઓને આ આટલી સુંદર કવિતા મળ્યા પછી મને માંડ પુષ્પાબહેનનો પરિચય મળ્યો ! આખું ગીત એકદમ સરળતાથી પ્રવાહની જેમ વહ્યે જાય છે, ક્યાંય સહેજ પણ કૃતકતા નહીં. પોતાની દિનચર્યામાં હરિને કેવા વણી લીધા છે ! ‘આંગણ વાવું કદંબિયો ને ઘટમાં યમુના ભરી, પંડ અમારું વાંસલડી ને ફૂંક વાગશે ફરી ! વાહ…

30.8.21

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top