પૂજા તત્સત્ ~ એ તો વળી * Pooja Tatsat

🥀 🥀    

એ તો એવું જ હોય
ઘર વળી કેવું હોય ?

ખુરશી પર નાખેલ નેપકીન
દોરી પર કપડાં
પગમાં જરી ધૂળનો સ્પર્શ
ટેબલ પરનો ગ્લાસ
આમતેમ અસ્તવ્યસ્ત
એ તો બધું એમ જ હોય
ઘર વળી કેવું હોય ?

બેંકનો કાગળ, કુરિયર
જાહેરાતનાં ચોપાનિયાં
ફોન, વીજળીનાં બીલો
કરિયાણાનું લિસ્ટ
થોડાંક પુસ્તકો
લગ્નની કંકોત્રી
ભૂલથી આવી પડેલી પડોશીની ટપાલ
આ તો બધું હોય જ ને
ઘર વળી કેવું હોય ?

કદીક નવજાત બાળકની કિકિયારી
વધતી ઉંમરની પીડાની સિસકારી
ઘરડી એકલતા
ને મૃત્યુની ભારેખમતા
હોય
એ તો એવું જ હોય
ઘર વળી કેવું હોય ?

~ પૂજા તત્સત્

સાદું સીધું જણાતું પૂજા તત્સતનું આ કાવ્ય છે. એમ નથી લાગતું કે એક થોડા અસ્તવ્યસ્ત ઘરમાં આપણે તરત જ ગોઠવા ગયા ? આ તમારું ઘર છે ? મારું ઘર છે ? હા, કદાચ આપણા બધાનું ઘર છે. એકદમ વ્યવસ્થિત, ચોખ્ખું અને ડેકોરેટ કરેલું ઘર મને હંમેશા હોટેલ જેવું લાગે છે.. થોડુંક આમતેમ હોય, થોડુંક જેમતેમ હોય, સરવાળે સાફ હોય અને ક્યાંક કચાશ પણ હોય એ મને ઘર લાગે. તમે જ કહો ને, દરેક ઘરમાં, પ્રમાણમાં વધારે ચોખ્ખો, વધારે વ્યવસ્થિત અને સારી રીતે સજાવેલો એક ડ્રોઇંગરૂમ હોય છે ને ? એ મહેમાનો માટે….. બાકી અંદર બધું પોતાનું ઘર …જો કે જરૂરી નથી કે તમે મારી વાત સાથે સહમત થાવ.. પસંદ અપની અપની…..

’ઘરવખરી’શબ્દ કેવો લાગે છે તમને ? હું એની વ્યુત્પત્તિ વિશે નથી કહેતી પણ આમ જ, ‘ઘરવખરી’ શબ્દ વિશે વિચારું તો થાય કે આ ‘વખરી’ વળી કેવું ? ‘વસ્તુ’ પરથી આવ્યું હશે ? પણ ‘વખરી’ શબ્દ જ મને તકલાદી લાગે. નહીં ટકે ભા નહીં ટકે… વાસણ, કપડાં, ફર્નિચર, ગાદલાં, ગોદડાં, ચાદર…કેટલું બધું અને બસ બદલાયા જ રાખે.. આવે ને જાય.. સબળું ને નબળું.. એક ઘર સ્થાયી.. બાકી બધું નશ્વર.. અને ઘર તો વળી એવું જ હોય ને ! કવિ ફરી ફરીને એક વાત કહ્યા કરે છે.. હા, ઘર વળી કેવું હોય ? એ તો એવું જ હોય ને !..

કવિને ઘરની જીવંતતા દર્શાવવી છે. એમાંની અસ્તવ્યસ્ત ચીજવસ્તુઓમાં વણાયેલ એનો ધબકાર દર્શાવવો છે. ઘરની દિવાલો જીવે છે, બારીઓ હવાને આવકારે છે અને બારણાં આગંતુકનું સ્વાગત કરે છે. ઘર એની અંદર પડેલી, આવતી જતી ચીજવસ્તુઓથી ઉભરાય છે. એની અંદર હરફર કરતા જીવોથી છલકાય છે. બાળકની કિલકારી સાથે હરખાય છે તો વૃદ્ધત્વની વેદનાથી પીડાય છે. એની અંદર વસતી એકલતા સાથે અમળાય છે અને એની આંખ સામે તૂટી પડતા શ્વાસો પર લાચાર બની ચીમળાય છે.. હા, આનું નામ જ ઘર છે.

કોઇ વ્યાખ્યા આપ્યા વગર કવિએ ઘરની ખરી દશા અને સાચી દિશા ચીંધી દીધી છે. નેપકીન, કપડાં, ખુરશી, ટેબલ, વિદ્યાર્થીની ચોપડીઓ, પરણનારની કંકોત્રી, ફોન-વિજળીનાં બિલો, કરિયાણાનું લિસ્ટ, કુરિયર….  ઘરમાં પથરાયેલી ભૌતિક ચીજવસ્તુઓ અમુક અંશે ઘરનું વાસ્તવ ચિતરી આપે છે તો બાળકની કિલકારી, ગૃહિણીની સમસ્યાઓ, વૃદ્ધોની પીડા, એકલતા અને મોતની ભયંકરતા ઘરનું ભાવજગત ઉપસાવે છે. હળવાશથી કવિએ ઘરની પ્રદક્ષિણા પૂરી કરી  છે, ઘરને સંપૂર્ણ કર્યું છે…

(આ કવયિત્રી, જે ખૂબ સારી વાર્તાકાર પણ છે, આજકાલ ક્યાંક ખોવાઈ ગઈ છે !)

દિવ્ય ભાસ્કર > કાવ્યસેતુ 114 > 3 ડિસેમ્બર 2013

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

7 thoughts on “પૂજા તત્સત્ ~ એ તો વળી * Pooja Tatsat”

  1. Kirtichandra Shah

    સરસ છેજ ઉપરથી બેને કરેલ ભાવ અર્થ નું સિંચન

Scroll to Top