પ્રણવ ઠાકર ~ કાજલ કરેલી આંખને * Pranav Thakar

કાજલ કરેલી આંખને વાંચી શકે તો વાંચજે,
વાદળ ભરેલી વાતને જાણી શકે તો જાણજે…..

તારા અને મારા ઉપર લખતો રહ્યો જે હેતથી,
એ વારતાના અંતને ધારી શકે તો ધારજે….

કંટક ભલેને મારગે, પણ મોજ કરવી હોય તો,
તું ભાન ભૂલીને સતત નાચી શકે તો નાચજે…..

આ પાર છે મારું નગર ને પાર પેલે તું રહે,
બસ આ રીતે સહવાસ ને માણી શકે તો માણજે….

ચર્ચા ઘણી ફોગટ કરી છે શાસ્ત્રની તેં રાત દી’
જો મૌન થઈને શબ્દને સાધી શકે તો સાધજે….

દિવસો ગયા, વરસો વહ્યાં; અંધાર ઘેરા ઓરડે,
સૂરજ ઉદયનો છે સમય, જાગી શકે તો જાગજે….

ના, સ્હેજ પણ પરવા નથી પાગલ ‘પ્રણવ’ને પ્રાણની,
વહેલી સવારે સ્નેહથી માંગી શકે તો માંગજે….

~ પ્રણવ ઠાકર ‘પાગલ’

જેમણે ઉપનામ ‘પાગલ’ રાખ્યું છે એ વાદળભરેલી વાત કરી જ શકે….  

અલબત્ત આંખ માટે ‘કાજલ કરેલી’ને બદલે બીજું કૈંક હોત તો વધુ જામત

પણ આ શરૂઆત ગમી ગઈ

ચોથા શેરમાં, સામસામે કિનારે રહીને પ્રેમમાં જીવ્યા કરવાની વાત પણ ‘ઝીણી’ છે!

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

10 thoughts on “પ્રણવ ઠાકર ~ કાજલ કરેલી આંખને * Pranav Thakar”

  1. હરીશ દાસાણી.મુંબઈ

    મૌન થઈ શબ્દ સાધના કરવાની વાત બહુ જ સુંદર

Scroll to Top