કશુંય ના કવિતા સમ, કવિતાથી વધુ કંઈ નહીં
કવિતાના જ ખાઉ સમ, કવિતાથી વધુ કંઈ નહીં
ખીલે એ પાનખરમાં ને વસંતે થાય વૈરાગી
નરી નિત મ્હેંકતી મોસમ, કવિતાથી વધુ કંઈ નહીં
કવિતા એટલે કાગળમાં માનવતાના હસ્તાક્ષર
તપાસો સત્વ, રજ ને તમ, કવિતાથી વધુ કંઈ નહીં
કદી એકાંત અજવાળે, કદી આ આંસુઓ ખાળે
બનાવે શ્વાસને ફોરમ, કવિતાથી વધુ કંઈ નહીં
વણ્યું ચરખે કબીરે એ કે એણે ગણગણ્યું’તું એ?
કહો મોંઘું ક્યું રેશમ? કવિતાથી વધુ કંઈ નહીં
થશે ઝાંખા શિલાલેખો કે તૂટશે કોટના ગુંબજ
હશે પરભાતિયા કાયમ, કવિતાથી વધુ કંઈ નહીં – પ્રણવ પંડ્યા
પૂ. મોરારીબાપુના હસ્તે જેમને યુવા સાહિત્ય પ્રતિભા એવોર્ડ મળેલો છે એવા તેજસ્વી કવિને મન, કવિતાથી વધુ કંઇ જ ન હોય… આપણા માટે આજના દિવસે આવી સરસ કવિતાથી વધુ શું હોય ?
21.3.21
કાવ્ય : પ્રણવ પંડ્યા સ્વરાંકન અને સ્વર : અમર ભટ્ટ
