ભેદ આવો તો ના રખાય પ્રભુ ~ પ્રણવ પંડ્યા
ભેદ આવો તો ના રખાય પ્રભુ
આ તરફ પણ નજર નખાય પ્રભુ
સાંભળ્યુ છે તેં બોર ચાખ્યા’તા
એવડા આંસુ પણ ચખાય, પ્રભુ !
ચીર પૂર્યા’તા કદી તેં મારા
પીડ મારી નહીં પુરાય પ્રભુ ?
રાત, રસ્તો, રૂતુ કે રાંધણિયું
હર જગા મારાથી દઝાય પ્રભુ
મારી દીકરી જુવારા વાવે છે
ક્યાંક મારા સમી ન થાય પ્રભુ
તો શું થયું કે હું નથી પથ્થર
માણસાઈને ના અડાય પ્રભુ ?
વેણ કર્કશ જણાશે મારા પણ
વાંસળીથી ચૂલો ફૂંકાય પ્રભુ ?
~ પ્રણવ પંડ્યા
સ્ત્રીઓની અવદશાનું વધુ એક કાવ્ય. સમયનો એવો કોઈ ટુકડો નથી, જેમાં પીડા અને ફરિયાદોથી ભરેલા જીવન લઈને જીવતી સ્ત્રીઓ ન હોય ! સીતાથી માંડીને આજ સુધીના યુગ પર દૃષ્ટિપાત કરી જુઓ ! આવાં ઉદાહરણો આજુબાજુમાં જ મળી આવશે. નાયિકા ભલે પોતાના વેણને કર્કશ કહે, એને હક છે પણ આખીયે રચનાનો પ્રધાન સ્વર કોમળ છે. આંસુના આછા દોરે કવિએ શબ્દોને પરોવ્યા છે. ફરિયાદના સૂર આકરા બન્યા વગર નજાકતથી, જરા જુદી રીતે કવિતામાં વ્યક્ત થાય ત્યારે ચોક્કસ અજવાળાં જ ફેલાવે.
પ્રતીકો પરંપરાગત હોવા છતાં નવીન રજૂઆત અને એની ધાર સ્પર્શી જાય છે અને એથી આ રચના તાજગીભરી બને છે.
OP 17.7.22
***
Meena Jagdish
31-08-2022
વાંસળીથી ચૂલો ફૂંકાય પ્રભુ…👏👏👏👌
હૃદયસ્પર્શી રચના…🙏🏻
`આંસુના આછા દોરેʼ….કાવ્યાત્મક વિવરણ…👏👏👏👏👌🙏🏻
આભાર
17-07-2022
આભાર છબીલભાઈ, મેવાડાજી, કિશોરભાઇ, કીર્તિચંદ્રજી, મીનાબેન.
‘કાવ્યવિશ્વ’ની મુલાકાત લેનારા સૌ મિત્રોનો આભાર.
સાજ મેવાડા
17-07-2022
ખૂબ સરસ અભિવ્યક્તી.
Kirtichandra Shah
17-07-2022
Pranva Pandya ni kavita asarkarak chej
કિશોર બારોટ
17-07-2022
ગમતાં કવિનું ખૂબજ ગમતું કાવ્ય ફરી માણવા મળ્યું, જલસો પડ્યો.
છબીલભાઈ ત્રિવેદી
17-07-2022
પ્રણવપંડયા ની રચના ખરેખર કોમળતા થી આક્રોશ રજુ કરે છે સ્ત્રીઓ ની અવદશા સદી ઓથી ચાલી આવતી ઘટના છે હજુ પણ અેમા જાજો ફેર નથી પડયો આભાર લતાબેન
