ત્રાડ
હોય સવારે એવો સાંજે, એ માણસને શોધી કાઢો.
બોલે જે બસ એક અવાજે, એ માણસને શોધી કાઢો.
નથી ખબર કયાં ગામ જૂનાગઢ, ના નરસી’નું નામ સુણ્યું છે,
મનથી નાચે ઝાંઝ પખાજે, એ માણસને શોધી કાઢો.
સૂટબૂટ હો છોને પહેર્યા, પણ ભગવું છે ભીતર જેનું
જેમાં એક કબીર બિરાજે, એ માણસને શોધી કાઢો.
વાત અઢી અક્ષરની છે પણ, વેદ અને કુરાન સમાયા,
નિર્મળ મન પાંચે ય નમાજે, એ માણસને શોધી કાઢો.
સમય પડ્યે સઘળું છોડીને, સિંહ સમી જે ત્રાડ કરે છે,
અમથો અમથો જે ના ગાજે, એ માણસને શોધી કાઢો.
મેલો ઘેલો સાવ બળેલો ,તોયે નોખી ચમક આંખમાં,
આસપાસના જીવતર માંજે, એ માણસને શોધી કાઢો.
વીસ વરસથી ફાટ્યું સ્વેટર, હર શિયાળે પહેરી ફરતો,
બાળકના જાકિટના કાજે, એ માણસને શોધી કાઢો.
~ પ્રતાપસિંહ ડાભી ‘હાકલ’
કવિએ ભલે ગઝલનું શિર્ષક આપ્યું ‘ત્રાડ’ પણ એમાં સંવેદના સાભાર સાદ છે. એકએક શેર એની સાહેદી પૂરશે. છેલ્લો શેર છેક અંદર ઊંડે સુધી ઊતરી જાય છે.

Vaaaah…
વાહ.. માણસને શોધી કાઢો..
ખૂબ સરસ ગઝલ..
વાહ, મત્લા! મારી ખૂબ ગમતી કવિની ગઝલ.
ખુબ સરસ ગઝલ