પ્રફુલ્લા વોરા ~ કેટલાં કામણ હશે * Prafulla Vora

કેટલાં કામણ હશે આ આંગળી ને તારમાં,
સાવ કોરું મન જુઓ ભીંજાય છે મલ્હારમાં.

આજ પણ લીલી ક્ષણો ટહુકા બની પડઘાય છે,
સાચવી લો આ સમય પણ વહી જશે વિચારમાં.

ના કશી ફરિયાદ છે ને મસ્ત આતમરામ છે,
સામટું સુખ ના ચહું સંતોષ છે બે-ચારમાં .

નામ લેતા હે પ્રભુ! ચારે દિશાઓ ઝળહળે,
કેટલા દીવા થયા દિલ તણા દરબારમાં.

શ્વાસનું પંખી જુઓ પાંખો પ્રસારે છે છતાં,
શી ખબર આ ઉડ્ડયન પૂરું થશે પલવારમાં ?

~ પ્રફુલ્લા વોરા

સંગીતના જાદુને આલેખતો પ્રથમ શેર મન મોહી લે છે. અને છેલ્લો કવિના સાક્ષીભાવની સાહેદી પૂરે છે….  

કવિ પ્રફુલ્લા વોરાએ કેન્સરનું દર્દ સહેતાં આટલી હકારાત્મક ગઝલ આપી છે. દુખ દર્દનો ઈશારો સુદ્ધાં નથી !!  

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

9 thoughts on “પ્રફુલ્લા વોરા ~ કેટલાં કામણ હશે * Prafulla Vora”

  1. સાક્ષી ભાવે જીવનને જોવાની કવિની હામ કાબિલે તારીફ છે.એમને નમન.

  2. હરીશ દાસાણી.મુંબઈ

    પ્રફુલ્લાબેનની આ ગઝલનો પ્રત્યેક શેર દાદ આપવી પડે તેવો છે. જીવનનો આનંદ અને સૌંદર્ય કવિતામાં પ્રત્યક્ષ થાય છે.

  3. “કવિ પ્રફુલ્લા વોરાએ કેન્સરનું દર્દ સહેતાં આટલી હકારાત્મક ગઝલ આપી છે” વાંચતાં જ કવિને વંદન થઈ જાય થે. ખૂબ જ સરસ ગઝલ.

  4. પ્રફુલ્લાબેનની ગઝલના સકળ શેર મનને સ્પર્શી જાય છે.

  5. પ્રફુલ્લાબેન વોરા અંત સમય સુધી કેન્સર ભયંકર પીડાને, એકલતાને કયારેય કળાવા દીધી નથી તેનો હું સાક્ષી રહયો છું. એમની ગઝલ પણ સકારાત્મક. અનેક છાત્રોના અને નવોદિત કવિમિત્રોના ઘડતરમાં એમનું પ્રદાન ખૂબ રહ્યું છે.એમને વંદન…નટવર આહલપરા,રાજકોટ.

Scroll to Top