પ્રફુલ્લ પંડ્યા ~ એકવાર મન & ક્યાંક પાંદડા નીચે રે * Prafull Pandya

નથી આવતું 

એકવાર મન સાવ ખાલી થઈ જાય પછી
મનમાં પણ કંઈ નથી આવતું  !
એકવાર જંગલમાં નાચે છે મોર પછી
મોરમાં પણ મોરપણું મોરમાં બેસીને નથી નાચતું !

જેમ મોરમાંથી મોરપણું છૂટું પડે છે એમ
આપણે પણ આપણાંથી છૂટાં !
છૂટાં પડેલાં હાથ પગને પૂછે છે કેમ
ફરકયાં નહીં આપણાં અંગૂઠા ?
ટેરવાં પણ ધ્રૂજારી ગૂમાવી બેસે ત્યારે
ટકોરા જેવું યે નથી આવતું ‌!

આમ તો આ આપણને દૂરથી જોવાનાં,
જુઓ આપણાપણું ત્યાં ચાલ્યું જાય છે !
જ્યારે પણ જાતના બે ટૂકડા થઈ જાય છે,
જુદી જુદી દિશામાં એ જાય છે !
જાતમાંથી જુદી થયેલી બીજી જાત ઊંડો કૂવો પૂરે
તો પછી કોઈ નથી એને બચાવતું !

~ પ્રફુલ્લ પંડ્યા

કવિનો આજે જન્મદિન અને એમની એકદમ તાજી જ રચનાઓ માણો…

જુગ જુગ જિયો કવિ !

જઈ બેસીએ

ક્યાંક પાંદડા નીચે રે જઈ બેસીએ !
એકલતા સોંસરવી ભીંસ્યા કરે છે તો
ભીંસમાંથી મોકળાશ ખેંચીએ !
ક્યાંક પાંદડા નીચે રે જઈ બેસીએ  !

પગ પાંદડા તો રેબઝેબ ફરકયાં કરે ને
નહીં આંખના અરિસામાં છાંયો !
ડાળખી બનીને દેહ ઝૂલ્યાં કરે ને
દેહ અંદર ઝૂલે છે પડછાયો !
ક્યાંક અટકીને આગળ થઈ બેસીએ !
ક્યાંક પાંદડા નીચે રે જઈ બેસીએ  !

કાળાં માથાંને લઈ દોડવાનું થાય
ધોમ કાળી બપ્પોરનાં ક્યાંક,
સાવ સૂનાં કટિબંધનો સૂનો અનુભવ
રે પગની મુરાદ બધી રાંક !
રાંક વાદળમાં વ્હેંત એક ઠેકીએ !
કહો પાંદડાં નીચે રે કેમ બેસીએ ?

~ પ્રફુલ્લ પંડ્યા

વિષયની રીતે આ કવિ સાવ જુદા જ છે. ગીતમાં આવો વિષય પણ આવી શકે ? એવો સવાલ થાય ત્યારે આ કવિને યાદ કરવા. એ ગીતમાં સાવ જુદો વિષય આપી શકે અને એને મજ્જાનો નિભાવી પણ શકે…

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

7 thoughts on “પ્રફુલ્લ પંડ્યા ~ એકવાર મન & ક્યાંક પાંદડા નીચે રે * Prafull Pandya”

  1. ઉમેશ જોષી

    વાહ ગીત કવિ….. પ્રફુલ્લ પંડ્યા.

  2. ગીતમાં આવા નોખા વિષયને ઉતારવો અઘરઓ જે કવિ કરી શક્યા છે. અભિનંદન.

  3. પ્રફુલ્લ પંડ્યા

    બંને ગીત અને જન્મદિન વિશેષ ખૂબ સરસ રીતે મૂક્યું છે અને તમારી મૂલ્યસભર કોમેન્ટ સાથે !
    હાર્દિક આભાર. લતાબેન
    પ્રફુલ્લ પંડ્યા

  4. મિત્ર પ્રફુલ્લ ભાઈની વાત કરવી એટલે એમની અનોખી રચનાઓ ને માણવી, એમને પારખવા એટલે કાવ્યના અવનવા રંગ માણવા. ખૂબ શુભેચ્છાઓ એમના જન્મ દિવસે.

Scroll to Top