પ્રવીણ ગઢવી ~ દલિત વાણી સં. હરીશ મંગલમ (કાવ્યસંગ્રહ)

🥀 🥀

*જઠરાગ્નિ*

ભૂખ્યાંજનોનો જાગશે
જઠરાગ્નિ જરૂર.

કિન્તુ
ભસ્મ થઈ જશે તેમાં
ખુદ
ભૂખ્યાંજનો જ જરૂર !
ન કદી થશે સમૂળી ક્રાંતિ,
રહેશે બધું યથાવત્
બે-ચાર અમીર અને પારાવાર ગરીબ.

શોષાતાં રહેશે, પીડાતાં રહેશે…
અને રહેતાં રહેશે ભૂખ્યાં જનો સદા સર્વદા !
ભૂખ્યાં જનો સ્વયં જ બળી જશે
ભડભડ જઠરાગ્નિની જવાળાઓમાં !

~ પ્રવીણ ગઢવી

🥀 🥀

*શસ્ત્ર સંન્યાસ*

ચાલો, આપણે શસ્ત્રો હેઠાં મૂકીએ અને ગોળમેજી પરિષદ ભરીએ.

અમારે કોઈ દેશ નથી, વેશ નથી
ખેડવા ખેતર નથી
, રહેવા ખોરડું નથી.
આર્યાવર્તના કાળથી તે આજ સુધી
તમે ઘાસનું તણખલુંય અમારે માટે રહેવા દીધું નથી.

ચાલો, અમે તે બધું ભૂલી જઈએ.
તમે ગામમાં ચણેલી દીવાલો તોડી નાખવા તૈયાર છો ?

અમે દૂધમાં સાકરની જેમ ભળી જવા તૈયાર છીએ.
તમારી દ્રૌપદી જો સ્વયંવરમાં
અમારા ગલિયાને વરમાળા પહેરાવે તો સહી શકશો ?
અને જો અમારી રૈલી જો ચિત્રાંગદાની જેમ નવવેશે આવે તો
તમારો અર્જુન એને સ્વીકારશે ?

ચાલો, આપણે મરેલાં ઢોર ખેંચવા વારા કાઢીએ, રાજી છો ?
ચાલો, અમે તમારું એઠું ખાવા રાજી,
તમે અમારા ઘેર વિવા હોય ત્યારે એંઠું ખાવા આવશો ?
ચાલો, બંધારણમાંથી રિઝર્વેશનની કલમો ભૂંસી નાખીએ.
અમારા મગનિયા, છગનિયા Open Compete કરશે
પણ તેમને કોન્વેન્ટ સ્કૂલમાં દાખલ થવા દેશો ?

ચાલો, આપણે શસ્ત્રો હેઠાં મૂકીએ અને દેશની રસાળ ભૂમિને સાથે મળી ખેડીએ.
પણ અમને ખળાનો અર્ધો ભાગ આપશો ?

~ પ્રવીણ ગઢવી

હજી સાવ નજીકના સમય સુધીનો ઇતિહાસ, આપણે ભૂલ્યા ન હોઈએ તો પણ એની ભયંકરતા, આવું વાંચીએ ત્યારે એ રુંવાડા ઊભા કરી દે. આંખો આંજી દે અને ધ્રુજાવી દે એવું સત્ય વિકરાળ સ્વરૂપે સામે આવે. સમાનતાની વાતો કરવી સહેલી છે, અસ્પૃશ્યતા નિવારણના ગીતો ગાવા સહેલા છે…. એમના ‘મગનિયા’ને કોન્વેન્ટ સ્કૂલમાં પોતાના ‘અર્જુન’ની પડખે પિતા સ્વીકારી શકે ?

ખળાનો અર્ધો ભાગ તો શું એકાદ કણ પણ આપવાની તૈયારે ત્યારેય નહોતી અને અત્યારે ???????

‘કાવ્યવિશ્વ’માં ‘દલિત વાણી’નું અભિનંદન સહ સ્વાગત છે.    

દલિત વાણી * પ્રવીણ ગઢવી * સં. હરીશ મંગલમ * ગુજરાતી દલિત સાહિત્ય અકાદમી બીજી આવૃત્તિ 2024

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

6 thoughts on “પ્રવીણ ગઢવી ~ દલિત વાણી સં. હરીશ મંગલમ (કાવ્યસંગ્રહ)”

  1. પ્સરવીણ ગઢવીનાં કાવ્યો એગગ સીધાં તીર તાકતી અભિવ્યક્તિ જ માત્ર નથી પણ પરિવર્તનની આવશ્યકતાનો માનવીય વ્યવહારની અપેક્ષા રાખે છે.

  2. સુરેશ 'ચંદ્ર'રાવલ

    પ્રથમ કાવ્ય દલિતો ની વ્યથાનું યોગ્ય નિરૂપણ કરે છે.. ખૂબ સરસ કાવ્ય અને અન્ય કાવ્યો પણ ખૂબ સરસ અને સોનામાં સુગંધ એવું લતાબેન આપનું તલસ્પર્શી વિવેન….

  3. દલિતોની વેદના શબ્દમાં આબાદ વર્ણવાઈ છે , જેવી હતી, અને આજેય જોવાં મળે છે. આઝાદી મળ્યા પછી પણ અમૂક સમાજની માનસિકતા બદલાઈ નથી. પણ હવે આ બધું લખવાથી જેને ખબર નથી એમને જાણ કરવી મને યોગ્ય નથી લાગતું.

Scroll to Top