અને હું
વૃક્ષ નીચે આવીને ઊભો
ને મારા ગામમાં પ્રવેશ્યો.
અને હું
વૃક્ષ નીચે બેઠો ને
મારા ઘરમાં પ્રવેશ્યો.
અને હું
વૃક્ષ નીચે લગીર આડો પડ્યો
ને મારા ઓરડામાં પ્રવેશ્યો,
પછી તો મેં ઘસઘસાટ ઊંઘવા માંડ્યુ !
રીલ અને રિયલને
સંધિબિંદુ હોય શકે ?
કે …………………..
~ પ્રવીણ દરજી
‘અને’થી શરૂ કરીને કવિએ અહીં કવિતાને ભાવકના ભાવપ્રદેશ સાથે કેટલી સરસ રીતે જોડી દીધી છે…… ‘અને’ જેવા તદ્દન સામાન્ય શબ્દનો સરસ કલાત્મક પ્રયોગ !
અહીં વૃક્ષનો મહિમા જ નહીં, વૃક્ષની વાત જીવનના પર્યાય તરીકે વર્તાય છે. કવિની સાથે સાથે આપણે પણ જાણે ગામમાં પ્રવેશીએ છીએ, ઘરમાં પ્રવેશીએ છીએ અને ઘસઘસાટ ઊંઘી જઈએ છીએ. વૃક્ષની લીલપ કે ફૂલોની સુંવાળપ ભાવકના રોમેરોમ ફરી વળે છે. આ કવિતા વાંચ્યા પછી, સમજ્યા પછી પેલો કુહાડો કોરે મુકાઇ જાય એ નક્કી. આંગળીના ટેરવાંમાં છુપાયેલો સ્પર્શ પ્રિય પાત્રના સાનિધ્યમાં આળસ મરડી બેઠો થતો હોય, એમ જ આંખમાં છુપાયેલા લીલા સંવેદનો વૃક્ષના દર્શનથી આવી વ્યાપક અનુભૂતિ આપી શકે એ આ કવિતાની કમાલ છે. ‘ઘસઘસાટ’ રોજિંદો પણ બહુ પાવરફૂલ શબ્દ છે. એનું ઉચ્ચારણ માત્ર ઉર્જા જગવે. એમાં માત્ર ઊંઘ નહીં, ભરપૂર આરામનો પણ સંકેત છે. ઘેઘૂર વૃક્ષ અને ઘસઘસાટ ઊંઘવું એ બંને વચ્ચે એક મજાની સાંકેતિક વ્યવસ્થા છે, સંધિબિંદુ છે. વૃક્ષ પાસેથી મળતી જીવવાની અનુભૂતિ આ કવિતાનો આત્મા છે તો રિલ અને રીયલનું સશક્ત રીતે વ્યક્ત થયલું સંધિબિંદુ કવિતાનો દેહ છે.
OP 4.12.20
*****
સર્જક ડો. પ્રવીણ દરજીનો પરિચય
પ્રફુલ્લ પંડ્યા * 13-04-2021 * પ્રવિણ દરજીની રચના ” અને હું વૃક્ષ નીચે આવીને ઊભો “પણ ખૂબ જ મનનીય અને આસ્વાદ્ય છે.”અને”થી શરુ થતી Connectivity આગળ પાછળની પરિસ્થિતિઓ વચ્ચે કાવ્યવિચારને ધૂંટતી ભાવક પક્ષે તીવ્ર અનુભૂતિનો અહેસાસ કરાવે છે અને એ પણ સીધી સાદી વાતોથી, કોઈ પણ પ્રકારનાં ” કાવ્યપ્રપંચ વિનાં ! કાવ્ય વિશ્વ ને સલામ !
રીંકું રાઠોડ * 13-04-2021 * વાહ વાહ અને વાહ…આદરણીય પ્રવીણ દરજી સરની અત્યંત સુંદર રચના..આભાર કાવ્યવિશ્વ

ટૂંકી પણ અસરદાર રચના…
પદ્મ શ્રી પ્રવિણ દરજી સાહેબનાં અછાંદસ સરસ હોય છે, આ પણ ખૂબ ગમ્યું.