પ્રિયકાંત મણિયાર ~ આછી જાગી સવાર * Priyakant Maniyar

🥀 🥀

*આછી જાગી સવાર*

આછી જાગી સવાર,
નિંદરની મધુ કુંજ થકી ને સ્વપ્નલોકની પાર.

પારિજાતના શરણે ન્હાઈ
કોમલ એની કાય,
વ્યોમ આયને જેની છાઈ
રંગ રંગની ઝાંય;
ઑઢ્યો પાલવ સાગરજલનો છલછલ નીલનિતાર
આછી જાગી સવાર…

લહર લહર સમીરણની વાતી
કેશ ગૂંથતી જાણે,
અંબોડામાં શું મદમાતી
અભ્ર-ફૂલને આણે;
કે જેનો ઊડતાં પંખીના કલરવ માંહી બહાર
આછી જાગી સવાર….

ભુવનભુવનનાં ઉજ્જવળ રવિની
બિન્દી અહો લગાવી,
દિશા દિશાના મુખરિત કવિની
વાણી રહી વધાવી;
રંગમન્દિર જાવા જાણે સજી રહી સિંગાર
આછી જાગી સવાર….

~ પ્રિયકાંત મણિયાર (24.1.1927 – 25.6.1976)

હૃદયને મધુરતાથી ભરી દેતું આ ગીત સાંભળો અમર ભટ્ટના સ્વરમાં

OP 21.6.22

***

છબીલભાઈ ત્રિવેદી * 21-06-2022 * ખરેખર હ્રદય ને મધુરતા થી ભરી દેતુ ગીત ખુબ સરસ આભાર લતાબેન

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top