બળવંતરાય ઠાકોર ~ બે કાવ્યો * Balvantray Thakor

🥀 🥀

*વધામણી*

વ્હાલા મ્હારા, નિશદિન હવે થાય ઝંખા ત્હમારી,
આવો આપો પરિચિત પ્રતીતી બધી ચિત્તહારી.
દૈવે જાણે જલ ગહનમાં ખેંચિ લીધી હતી તે
આણી સ્હેજે તટ પર ફરીને મ્હને છોળ ઠેલે;
ને આવી તો પણ નવ લહું ક્યાં ગઇ’તી શિ આવી,
જીવાદોરી ત્રુટિ ન ગઈ તેથી રહૂં શીષ નામી.
ને સંસ્કારો ગત ભવ તણા તે કની સર્વ, વ્હાલા,
જાણૂં સાચા, તદપિ અવ તો સ્વપ્ન જેવા જ ઠાલા;
માટે આવો, કર અધરની સદ્ય સાક્ષી પુરાવો,
મીઠા સ્પર્શો, પ્રણયિ નયનો, અમ્રતાલાપ લાવો.
બીજૂં, વ્હાલા, શિર ધરિ જિહાં ‘ભાર લાગે શું?’ ક્હેતા,
ત્યાં સૂતેલું વજન નવું વીતી ઋતુ એક વ્હેતાં;
ગોરૂં ચૂસે અખૂટ જ રસે અંગૂઠો પદ્મ જેવો,
આવી જોઈ, દયિત, ઉચરો લોચને કોણ જેવો?

~ બળવન્તરાય ક. ઠાકોર

🥀 🥀

*પ્રેમની ઉષા*

પાડી સેંથી નિરખિ રહિ’તી ચાંદલો પૂર્ણ કરવા,
ઓષ્ઠો લાડે કુજન કરતા, ‘કંથ કોડામણા હો,
વલ્લીવાયૂ રમત મસતી ગૅલ શાં શાં કરે જો !’
ત્યાં દ્વારેથી નમિ જઈ નીચો ભાવનાસિદ્ધિ દાતા
આવ્યો છૂપો અરવ પદ, જાણે ચહે ચિત્ત સરવા,
ને ઓચિંતી કરઝડપથી બે ઉરો એક થાતાં !

કંપી ડોલી લચિ વિખરિ શોભા પડી સ્કંધદેશે,
છૂટી ઊંચે વળિ કરલતા શોભવે કંઠ હોંસે :
દ્હાડે યે શું ?’ ઉચરિ પણ મંડ્યાં દૃગો નૃત્ય કરવા,
એ તો આવ્યો કુજન કુમળું આ મિઠું શ્રોત્ર ભરવા.’
એ તો રાતો દિન ફરિફરી ઊર ઉપડ્યા કરે છે.’
તો યે મીઠું અધિક ઉભયે કંઠ જ્યારે ભળે છે.’

ગાયૂં : પાયાં જિગર જિગરે પેયુષો સામસામાં,
ન્હૈ ત્યાં ચાંદાસુરજ હજિ, એ પ્રેમ કેરી ઉષામાં.

~ બળવંતરાય ક. ઠાકોર

કવિ પરિચય માટે જુઓ

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

2 thoughts on “બળવંતરાય ઠાકોર ~ બે કાવ્યો * Balvantray Thakor”

Scroll to Top