બાબુ નાયક ~ લોકતંત્ર * Babu Nayak

લોકતંત્ર (સૉનેટ-મંદાક્રાન્તા)  

માડી આજે, વન ગજવતો શોર ના કેમ થાતો?
પંખી, પ્રાણી અરસ-પરસે સર્વનો એક નાતો.
ચિત્તા સંગ હરણ, સસલાં ગેલ કેવાં કરે છે!
ના સ્હેજે કૈં ડર ફિકર સૌ સિંહ સાથે ફરે છે.

લાગે આમાં કુદરત તણી હોય ચોક્કસ કારી,
જોકે આવું કદી નવ બને, હોય આક્રોશ ભારી.
એ મધ્યાહ્ને તનય અજનો, માતને પ્રશ્ન પૂછે,
કહેને આજે અચરજ બધું આટલું કેમ, શું છે?

માડી બોલી, ધર ધીરજ તું ના કશું કૈં વિચારે,
આ તો લાગે ક્ષણિક સઘળું, ચૂંટણી હોય ત્યારે.
તેવું તેવું મન ઉપર ના લૈશ તું બાળ મારા,
નાના-મોટા નમન કરશે સ્વાર્થ માટે બિચારાં.

આજે કેવાં વનચર બધાં દાખવે પ્રેમમંત્ર!
હોજો આવું મનુજકુળમાં કાયમી લોકતંત્ર.

~ બાબુ નાયક

ચૂંટણીઓનું તાદૃશ્ય ચિત્ર….. ભારતમાં જ નહીં, વિશ્વભરમાં….  

@@

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

3 thoughts on “બાબુ નાયક ~ લોકતંત્ર * Babu Nayak”

  1. સામ્પ્રત સમયમાં લોકશાહીની ચૂંટણી સાથે બંધ બેસતું સોનેટ. ‘કાગડા બધે જ કાળા’ એટલે જ કહેવાયું હશે.

Scroll to Top