તીર્થોત્તમ
ભમ્યો તીર્થે તીર્થે, ધરી ઉર મનીષા દરશની,
પુરી, કાશી, કાંચી, અવધ, મથુરા ને અવર સૌ
ભમ્યો યાત્રાધામો અડસઠ જલે સ્નાન કરિયાં;
વળી સાથે લાવ્યો વિમલ ઘટ ગંગોદક ભરી.
છતાં રે ના લાધ્યું પ્રભુ ! પુનિત એક્કે તીરથ જ્યાં
શકે મારી છીપી ચરમ મનીષા તું-દરશની !
અને એવા ઝાઝા દિન વહી ગયા શોધન મહીં,
વહ્યા એથી ઝાઝા સતત ઘટમાળે જીવનની !
અમે બે સાંજુકાં સહજ મઢીઓટે નિત પઠે
વળ્યાં’તાં વાતોએ, નયન નમણાં ને સખી તણાં
ઢળ્યાં’તાં વાત્સલ્યે, મૃદુલ નવજાતા કલી પરે-
ઝૂકી, ઢાંકી જેને અરધપરધા પાલવ થકી
ઉછંગે પિવાડી અનગળ રહી અમૃતધરા !
મને એ ચક્ષુમાં પ્રભુ ! જગતતીર્થોત્તમ મળ્યું.
~ બાલમુકુંદ દવે 7.3.1916-28.2.1993
કવિના જન્મદિને સ્મૃતિવંદના

Pingback: 🍀28 જુન અંક 3-1196🍀 - Kavyavishva.com
દામ્પત્યની સુંદર પળોને સરસ રીતે વણી લીધી છે, અને પોતાની પત્નીને આંખોમાં જગતનું તિર્થ જોનારા કવિ બાલમુકુંદ દવેને સ્મૃતિ વંદના.
સાદર સ્મરણ વંદના.
કવિ શ્રી ને સ્મ્રુતિવંદન ખુબ સરસ રચના