બાલમુકુંદ દવે ~ અત્તરીયા & પ્રવાસી પારાવારના* Balmukund Dave

અત્તરિયા ! અત્તરના સોદા ન કીજીએ
અત્તરિયા ! અત્તર તો એમનેમ દીજીએ.
હાટડી પૂછીને કોક આવી ચડે તો એને
પૂમડું આલીને મન રીઝીએ…..

દિલની દિલાવરીનો કરીએ વેપાર,
ભલે છોગાની ખોટ ખમી લીજીએ.
ઊભે બજાર લોક આવે હજાર,
એની ઝાઝી ના પડપૂછ કીજીએ;
આપણને વહોરવા આવે, એને તે એલા
ગંધને રે બંધ બાંધી લીજીએ.

આઘેથી પગલાંને પરખી લઈએ ને
એના ઉરની આરતને પ્રીછીએ
માછીડો ગલ જેમ નાખે છે જલ એમ
નજરૂંની ડૂબકી દીજીએ
આછી આછી છાંટ જરી દઈએ છાંટી ને
એવો ફાયો સવાયો કરી દીજીએ
રૂંવે રૂંવે સૌરભની લેર્યું લહેરાય એવાં ઘટડામાં ઘેન ભરી દીજીએ

અત્તરિયા ! અત્તરના સોદા ન કીજીએ.
અત્તરિયા ! અત્તર તો એમનેમ દીજીએ.

~ બાલમુકુન્દ દવે

આહાહાહાહા આવું મઘમઘતું ગીત, એની સુગંધનો કેફ ચડ્યો કેમ ઉતરે ?

કવિની આજે પૂણ્યતિથિ. વ્હાલભર્યા વંદન

*****

અને આ બીજું ગીત

પારાવારના પ્રવાસી ~ બાલમુકુન્દ દવે

આપણે તે દેશ કેવા ?
આપણે વિદેશ કેવા ?
આપણે પ્રવાસી પારાવારના હે…જી.

સંતરી સૂતેલા ત્યારે
આપણે અખંડ જાગ્યા;
કોટડાં કૂદીને ભાગ્યા :
આપણે કેદી ના કારાગારના હે…જી; 
આપણે પ્રવાસી પારાવારનાં હે…જી.

આપણે પંખેરું પ્યાસી
ઊડિયાં અંધાર વીંઝી
પાંખ જો પ્રકાશભીંજી :
આપણે પીનારાં તેજલધારના હે…જી;
આપણે પ્રવાસી પારાવારના હે…જી.

આપણે ભજનિક ભારે :
આપણે તે એકતારે
રણકે છે રામ જ્યારે
આપણા આનંદ અપરંપારના હે…જી;
આપણે પ્રવાસી પારાવારનાં હે…જી.

~ બાલમુકુન્દ દવે

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

3 thoughts on “બાલમુકુંદ દવે ~ અત્તરીયા & પ્રવાસી પારાવારના* Balmukund Dave”

  1. હરીશ દાસાણી.મુંબઈ

    મકરંદની જેમ બાલમુકુંદના કાવ્યોમાં પણ સ્વાત્માનંદ પ્રતીતિની મસ્તી દેખાય છે.

  2. કવિ શ્રી બાલમુકુન્દ દવે ની બંને કવિતાઓ સુંદર.
    “અત્તરના સોદા ન કીજીએ, અત્તરિયા ! અત્તર તો એમનેમ દીજીએ.”
    અને “આપણે પ્રવાસી પારાવારના” પંક્તિઓ શિરમોર, અને કવિની ઓળખ સમા છે.

Scroll to Top