બાલમુકુન્દ દવે અને રવીન્દ્ર પારેખ * Balmukund Dave * Raveendra Parekh

🥀 🥀

હું છું દીવો
લો, મારો આધાર લઈને તમેય થોડું જીવો…

હું મારી અંદર રહું તેથી વધુ રહું છું બ્હાર,
દૂર જતામાં લાગે કે કોઇ કાઢે મારા તાર,
ઝીણા ઝીણા રેશમ તારે લો અજવાળું સીવો
હું છું દીવો

હું જાણે એક નૌકા છું ને મારી બ્હાર છે જળ,
સહેજ પવન આવે ને અજવાળાંને ચઢતો વળ,
જળ સમજીને અજવાળામાં પડે કોઇ મરજીવો…
હું છું દીવો….

~ રવીન્દ્ર પારેખ

🥀 🥀

એક દીપ તણાયો જાય, જલમાં દીપ તણાયો જાય;
કમળ સમો ઘૂમે વમળોમાં, વાયુમાં વીંઝાય
જલમાં દીપ તણાયો જાય.

અંધારાંના અંચલ ભેદી પંથ પાડતો જાય,
તરંગની ચંચલ અસવારી કરી તેજ મલકાય:
જલમાં દીપ તણાયો જાય.

ઘડીક નમણી જ્યોતિ નાજુક સંપુટમાં જ સમાય,
ઘડી ભવ્ય ભૂગોલખગોલે દીપશિખા લહરાય
જલમાં દીપ તણાયો જાય.

વાટ વણી ના, ના પેટાવ્યો, પોતે પરગટ થાય
નહીં મેશ કે નહીં મોગરો કેવલ તેજલ કાય
જલમાં દીપ તણાયો જાય.

~ બાલમુકુન્દ દવે

(બૃહદ્ પરિક્રમા, ૨૦૧૦, પૃ. ૩)

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

6 thoughts on “બાલમુકુન્દ દવે અને રવીન્દ્ર પારેખ * Balmukund Dave * Raveendra Parekh”

  1. બાલમુકુન્દ અને રવિન્દ્રભાઈની સુંદર રચનાઓ: દીવાળીના દીવાનો મહિમા અપરંપાર ! બંને સર્જકોને મારા નતમસ્તકે પ્રણામ !
    પ્રફુલ્લ પંડ્યા

Scroll to Top