બાલમુકુંદ દવે ~ આ શ્રાવણ નીતર્યો * Balmukund Dave  

શ્રાવણ નીતર્યો

આ શ્રાવણ નીતર્યો સરવડે કોઈ ઝીલો જી
પેલાં રેલી ચાલ્યાં રૂપ હો કોઈ ઝીલો જી.

આ કપૂર-કાયા સરી જશે કોઈ ઝીલો જી
પેલા ઊડી ચાલ્યા ધૂપ હો કોઈ ઝીલો જી.

આ જલધારામાં ઝૂલતી કોઈ ઝીલો જી
પેલી તૂટી મોતનમાળ હો કોઈ ઝીલો જી.

આ લટ લહેરાતી લળી લળી કોઈ ઝીલો જી
પેલું કોણ હસે મરમાળ? હો કોઈ ઝીલો જી.

આ નથી ટપકતાં નેવલાં કોઈ ઝીલો જી
આ વરસે અમરત—મેહ હો કોઈ ઝીલો જી.

આ સમણાં કેરા કરા પડે કોઈ ઝીલો જી
આ નરદમ વરસે નેહ હો કોઈ ઝીલો જી.

આ ચળકે વાદળ—તલાવડી કોઈ ઝીલો જી
એની તડકે બાંધી પાળ હો કોઈ ઝીલો જી.

આ દિન વહી ચાલ્યો સુહામણો કોઈ ઝીલો જી
આ રાત ચલી રઢિયાળ હો કોઈ ઝીલો જી.

આ દૂધે ધોયા ડુંગરા કોઈ ઝીલો જી
પેલી ઝરણાંની વણજાર હો કોઈ ઝીલો જી.

આ જતિસતીનાં તપ રેલે કોઈ ઝીલો જી
પેલા શિવલોચન-અંબાર હો કોઈ ઝીલો જી.

~ બાલમુકુન્દ દવે

કવિ બાલમુકુન્દ દવેના પરિચય માટે જુઓ ‘સર્જક’ વિભાગ.

આભાર

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

4 thoughts on “બાલમુકુંદ દવે ~ આ શ્રાવણ નીતર્યો * Balmukund Dave  ”

  1. નરી કવિતા. ખૂબ જાણીતી..
    કવિને સ્મૃતિવંદના.

    1. ઉમેશ ઉપાધ્યાય

      ખુબ સુંદર રચના 👌🏻👌🏻👌🏻

Scroll to Top