
વડોદરા જિલ્લાના મસ્તપુરામાં એમનો જન્મ. અમદાવાદમાં સ્થિર થયા. પ્રકૃતિ એમની પ્રેરણાદાત્રી. ગાંધીજીનો પણ પ્રભાવ ખરો. પ્રણયનો વિષાદ એમની કવિતાનું કેન્દ્રબિંદુ, સાદગી એ જ એમની કવિતાનો શણગાર. બાલમુકુન્દ અને વેણીભાઈનું નામ ‘સારસ્વત સહોદર’ જેવું. બાળકાવ્યો પણ લખ્યાં. ‘જૂનું ઘર ખાલી કરતાં’ ગુજરાતી સાહિત્યનું બેનમૂન સૉનેટ છે.
વ્યવસાયે પત્રકાર. ગાંધીવાદની ભૂમિકા ઉપર રચાયેલી જીવનશૈલી વિચાર અને આચરણમાં પ્રગટ થાય છે તેમજ તેમના કવિજીવનમાં અને કાવ્યમાં પણ ધબકે છે. મહદ્ અંશે કાવ્ય શૈશવની લાગણીઓ-સંવેદનોનું પ્રતિનિધાન કરે છે. તેમનું કવિજીવન સંસ્કારો, પ્રકૃતિ, સૌંદર્ય અને લોકજીવનનો ધબકાર ઝીલે છે. એમનાં કાવ્યોનો એ પ્રેરણાસ્રોત છે. કાવ્યલેખનમાં ‘કુમાર’ની બુધસભાએ તેમને પ્રોત્સાહિત કર્યા.
સૉનેટ જેવા કાવ્યસ્વરૂપમાં સંસ્કૃત વૃત્તો અને ર્દઢબંધ તેમના આ કાવ્યસ્વરૂપને અનેરું સૌંદર્ય અને ભાવાભિવ્યક્તિ અર્પે છે. ‘તીર્થોત્તમ’, ‘સ્મિતકણી’, ‘પ્રેમનો વિજય’ એમનાં ઉત્તમ સૉનેટોમાં ગણાવી શકાય તેવાં છે. ‘ધૂળિયો જોગી’, ‘કાલાબ્ધિને કાંઠે’, ‘કાચબા-કાચબીનું નવું ભજન’ વગેરે એમનાં મૌલિક ભક્તિકાવ્યોમાં ભાત પાડે છે.
પરિક્રમા
બાલમુકુન્દ દવેનો, ૧૯૩૮ થી ૧૯૫૫ સુધીના ગાળાની ૧૦૩ કાવ્યકૃતિઓનો સંગ્રહ.
તેમના પહેલા કાવ્યસંગ્રહ ‘પરિક્રમા’માં કાવ્યસ્વરૂપોનું વૈવિધ્ય જોવા મળે છે. તેમાં વિષયની ર્દષ્ટિએ પ્રણય, પ્રકૃતિનું સૌંદર્ય વ્યક્ત થાય છે તેમજ ભક્તિભાવથી સભર ગીતો લય અને પ્રવાહિતાથી સુંદર ભાવવાહી બન્યાં છે. એમની શૈલી પ્રાસાદિક, મધુર અને શિષ્ટ છે. અનુભૂતિની સચ્ચાઈનો તેમાં રણકો છે. ‘જૂનું ઘર ખાલી કરતાં’ એ સૉનેટ આ કાવ્યસંગ્રહનું ઉત્તમ કાવ્ય છે.
ભાવરસ્યાં ચિત્રાંકન, મર્મસ્પર્શી ઊર્મિઆલેખન અને પ્રાસાદિક ને પ્રભાવક અભિવ્યક્તિથી દીપ્ત કાવ્યોનો આ સંગ્રહ ગુજરાતી કવિતામાં નોંધપાત્ર સ્થાન ધરાવે છે. એમાંની કવિતા મુક્તક, સૉનેટ, ખંડકાવ્ય, ગીત, ભજન આદિ વિવિધ સ્વરૂપે વહે છે. સંસ્કૃતવૃત્તો જેટલું જ કૌશલ ગેયરચનાઓ પરત્વે પણ કવિ દાખવે છે, ગેયરચનાઓ આપણાં લોકગીતો અને ભજનોના ઢાળમાં થયેલી છે અને એમાં લોકબાની તેમ જ તેનું વાતાવરણ અનુભવાય છે. વિષયવૈવિધ્યની દ્રષ્ટિએ ‘હડદોલા’, ‘બંદો અને રાણી’, ‘નેડો’, ‘હિના’, ‘ભીના વાયરા’ જેવાં ઉલ્લાસમય પ્રણયગીતો છે; ‘સંચાર’, ‘હોડી’, ‘શમણાંનો સથવારો’, ‘એકલપંથી’ જેવી અધ્યાત્મભાવની રચનાઓ છે; તો ‘સુરગંગાનો દીવડો’, ‘ઝાકળની પિછોડી’ જેવાં આસ્વાદ્ય ભજનો છે. ‘નદીકાંઠે સૂર્યાસ્ત’, ‘ચાંદની’, ‘નર્મદા તટે પૂર્ણિમા’ , ‘સાબરમાં ઘોડાપૂર જોઈને’, ‘પરોઢ’ વગેરે પ્રકૃતિદર્શનના મુગ્ધ આનંદનું નિરૂપણ કરતાં કાવ્યો કવિની લાક્ષણિક વર્ણનશક્તિનાં પરિચાયક છે. ‘મોગરો’, ‘આકાશી અસવાર’, ‘શ્રાવણ નીતર્યો’ વગેરે ગીતો પણ એવી પ્રતીતિ કરાવે છે. સંગ્રહનું છેલ્લું કાવ્ય કવિશક્તિનું નિદર્શક છે તેમ આપણાં ગીતોની સમૃદ્ધિની સાબિતીરૂપ છે. ‘તું જતાં’ અને ‘જૂનું ઘર ખાલી કરતાં’ અનુક્રમે પત્ની અને પુત્રના અવસાનથી અનુભૂત સંવેદનને પ્રબળતાથી નિરૂપે છે; તો ‘વીરાંજલિ’, ‘સજીવન શબ્દો’ અને ‘હરિનો હંસલો’ અનુક્રમે ન્હાનાલાલ, મેઘાણી અને ગાંધીજી વિશેની શોકપ્રશસ્તિઓ છે. જહાંગીરના સમયના પ્રસંગનિરૂપણનું ‘બેવડો રંગ’ અને વિદ્યાર્થી અવસ્થાનો ચિતાર આપતું વિનોદમય ‘વડોદરા નગરી’ નિજી વિશેષતાઓથી ધ્યાન ખેંચે છે.
ગુજરાત સાહિત્ય અકાદમીએ એમના સમગ્ર સાહિત્યનું સંપાદન પ્રસિદ્ધ કર્યું છે.
કવિ શ્રી સુરેશ દલાલ કહે છે, “બધો આધાર કવિના વ્યક્તિત્ત્વના પિંડ પર છે….. અલ્પ જીવી અનલ્પ સુધી જીવવાની કલા બાલમુકુંદની કલમને મળી છે. ~
એમણે ‘લોકજીવન’ પત્રિકાનું સંપાદન કર્યું.
કાવ્યસંગ્રહો
‘પરિક્રમા’(1955)
કુંતલ (1992)
‘સહવાસ’ (1976) )(વેણીભાઈ પુરોહિત સાથે) સં. સુરેશ દલાલ
‘સોનચંપો’ (1959) બાળકાવ્યસંગ્રહ
‘અલ્લક દલ્લક’ (1965) બાળકાવ્યસંગ્રહ
‘ઝરમરિયાં’ (1973) બાળકાવ્યસંગ્રહ
‘બૃહદ પરિક્રમા’ (2010) સં હરિકૃષ્ણ પાઠક
એવોર્ડ
‘કુમાર’ ચંદ્રક (1949)
ધનજી કાનજી સુવર્ણચંદ્રક 1987
@@
બાલમુકુન્દ દવે
જીવન : 7.3.1916 – 28.2.1993
માતા-પિતા : 0 – મણીશંકર દવે
રહેવાસી : વડોદરા
@@
સૌજન્ય : ગુજરાતી વિશ્વકોશ, ગુજરાતી વીકીપીડિયા અને એકત્ર ફાઉન્ડેશન

ખુબ સરસ માહિતીસભર લેખ
વાહ વાહ 👌🏽👌🏽👌🏽ગુજરાતી સાહિત્યમાં તાજનો મહામુલો હીરો. 🙏🏻🙏🏻🙏🏻
ખૂબ જ સરસ માહિતી.