એ બહુ છાનેમાને આવે છે;
મોત નાજુક બહાને આવે છે.
ક્યાં મને એકલાને આવે છે?
સુખ અને દુઃખ બધાંને આવે છે.
કેમ ચાલ્યા ગયા જનારાઓ?
આવનારાઓ શાને આવે છે ?
ઓળખી લ્યો સમયના પગરવને;
એ જમાને જમાને આવે છે.
આમ તો આખી ડાયરી કોરી;
નામ તુજ પાને પાને આવે છે.
અશ્રુતોરણ ને સ્મિતની રંગોળી;
ઉત્સવો કેવા સ્થાને આવે છે !
બિમ્બ ચકલી જુએ છે પોતાનું;
પાંખ તો આયનાને આવે છે.
એના શ્વાસો બન્યા છે વેગીલા;
મહેક તારી હવાને આવે છે.
રણની શોભા મને જ આભારી
ગર્વ આ ઝાંઝવાને આવે છે !
કૂંપળે કૂંપળે વસંત આવે;
પાનખર પાને પાને આવે છે.
~ ભગવતીકુમાર શર્મા
31.5.1934 – 5.9.2018
ઊભો’તો વૃક્ષ નીચે અને વીજળી પડી;
માળાની સાથે આખી હયાતી ઢળી પડી.
ખોટી જગ્યાએ જ્યારે કોઈ આંગળી પડી,
જે નાચતી હતી તે કઠપૂતળી પડી.
જીવું છું ઘાસબીડમાં અધ્ધરજીવે સતત;
લે, જો, આ મારા હાથથી દીવાસળી પડી.
પોથીની વચ્ચે ટાંપ તરીકે મૂકીશ હું;
સરકી ગયો સરપ અને આ કાંચળી પડી.
દર્પણની છોડ દોસ્તી, ચકલી સભાન થા;
તારા જ નીડમાંથી ફરી એક સળી પડી.
ફૂલોએ આંખ મીંચી દીધી દુઃખથી તરત,
જેવી કો ડાળખીથી ગુલાબી કળી પડી.
વાગ્યા ટકોરા તોય ના ઊઘડી શક્યાં કમાડ;
સન્નાટે સૂતી શેરી આ ઝબકી છળી પડી.
~ ભગવતીકુમાર શર્મા 31.5.1934 – 5.9.2018
કવિના જન્મદિને સ્મૃતિવંદના.

Pingback: 🍀31 મે અંક 3-1176🍀 - Kavyavishva.com
સાદર સ્મરણ વંદના ્
સાહિત્યના મહામાનવ ને સ્મૃતિ વંદન. સરસ ગઝલ.
ભગવતિકુમાર શર્માની બંને ગઝલો ઉત્તમ ! કવિની અનુભૂતિઓમા઼ સરકતાં જવાની મજા આવી !
બન્ને રચનાઓ ખુબ સરસ સ્મ્રુતિવંદન
‘કૂંપળે કૂંપળે વસંત આવે;
પાનખર પાને પાને આવે છે.’ સરસ રચનાઓ. સરયૂ પરીખ.