નાના સરખા એક શબ્દનો ~ ભગીરથ બ્રહ્મભટ્ટ
નાના સરખા એક શબ્દનો આભ જેવડો અર્થ
તમે તીરથનું સરનામું ‘બા’ અમે ભમીએ વ્યર્થ
મમતા માખણ લીંપી ગુંપી, રાબ રોટલે બાંધ્યા
રમતાં રડતાં ચઢતાં પડતાં, નજરદોરથી સાંધ્યા
છીંકે ઠેસે ખમ્મા કહેતું સમરણ પણ શું સમર્થ !
તડકા છાંયા ખમીખમીને, વેલ ઝૂકે છે જેમ
માડી તારી એક જ મોસમ, પ્રેમ નિરંતર પ્રેમ
સપનામાં પણ સાદ કરું તો ‘બેટા’ બોલે તર્ત.
~ ભગીરથ બ્રહ્મભટ્ટ
કવિનું માતૃપ્રેમની અનુભુતિ વર્ણવતું, સરસ મજાના સ્પંદનો વ્યક્ત કરતું આ ગીત ‘માતૃકાવ્યો’માં પોતાનું એક ચોક્કસ સ્થાન બનાવે છે. ખાસ કરીને પ્રથમ પંક્તિ ‘નાના સરખા એક શબ્દનો આભ જેવડો અર્થ’ અને છેલ્લી પંક્તિમાંની અભિવ્યક્તિ ખૂબ સ્પર્શી જાય એવી છે…
સમય બદલાતો જાય છે. અલબત્ત પહેલાં પણ અપવાદો હશે જ. અપવાદો વગર સૃષ્ટિમાં કશું જ સંભવિત નથી. પરંતુ આ સમયને જોઈએ તો વ્યવસાયી માતાઓ નાના બાળકોને ‘ડે કેર’ કે પગારદાર બાઇઓના ભરોસે મૂકીને જાય છે ત્યારે આ વાત પર જુદા વિચાર આવે. જ્યાં કમાવાની મજબૂરી છે, ત્યાં માફ કરી શકાય પરંતુ જ્યાં સ્ત્રીને પોતાની કેરિયરનું વધારે મહત્વ છે ત્યાં એના માતૃત્વ માટે વિચારવું પડે ! ‘એ તો એમ જ કરવું પડે’ – જેવો જવાબ ગળે ઊતરતો નથી. કેરીયર વધારે વહાલી હોય તો માતૃત્વ ફરજિયાત નથી અને આ જમાનામાં માતૃત્વ ધારણ કરવું એ માત્ર કાંઇ ઉપરવાળાની ઇચ્છાને આધીન નથી, એવું કહેવાનું હંમેશા મન થાય છે અને કહી પણ દેવાય છે…. બાકી જમાનો ચાલ્યા કરે છે, બદલાયા કરે છે અને માનવી પાસે સાક્ષીભાવે જોવા સિવાય બીજો વિકલ્પ નથી એવું લાગ્યા કરે છે.
OP 16.7.22
દિવ્ય ભાસ્કર > કાવ્યસેતુ 66 > 18 ડિસેમ્બર 2012 (ટૂંકાવીને)
***
Meena Jagdish
31-08-2022
ગાગરમાં સાગર જેવી માતૃવંદનાની રચના….🙏🏻🙏🏻🙏🏻
અને આજના સંદર્ભે આપનું સંવેદનશીલ ચિંતન વિચારણીય છે…🙏🏻
કિશોર બારોટ
16-07-2022
માતૃવંદનાનું બહુજ ઉમદા કાવ્ય.
કવિને સાદર નમન.
છબીલભાઈ ત્રિવેદી
16-07-2022
ખુબ સરસ માત્રુ પ્રેમ નુ કાવ્ય આપે જે કાવ્ય ના સંદર્ભે જે વાત આપી છે તે ખુબજ સાચી છે આભાર લતાબેન
