ભગીરથ બ્રહ્મભટ્ટ ~ બે ગીતો

🥀 🥀

*ઉનાળો*

ભરઉનાળે તડકા પી ને લીમડા લીલા લ્હેરમાં લ્હેરી
છાંયડો બની જાય,
મોગરા મહેંકી જાય.

ફાગણ ડાળે ચૈતર ઝુરે, તડકે તડપી માળા છોડી, પાંખો ઉડી જાય,
આગ વગરના ભડકા જેવા કેસૂડા કાંઈ આખે આખા ઝાડને ગળી જાય
તાપમાં તપી વાયરા પછી ગરમાળાના પીળાં પીળાં
તોરણ બની ગાય
કોયલ ટહુકો થાય.

સોનલવરણી સળિયોમાંથી ઊની ઊની લ્હાય વરસતી, લ્હાયમાં સકલ ન્હાય,
છાંયા ટૂંકા બપોર ટાણે આંબા ડાળે ટહુકા ભેળી કેરિયું ઝોલાં ખાય
જીભડી કાઢી વચલી વેળા દોડી દોડી ઝાડના ઝીણાં
છાંયડા ચણી જાય
ટહુકે આંબા ન્હાય.

~ ભગીરથ બ્રહ્મભટ્ટ

અત્યારે શિયાળો જામ્યો છે, ત્યારે ઉનાળાની કવિતા ટાઢાબોળ રૂમમાં હીટર ચાલુ કર્યું હોય એવી લાગે ! ઉનાળો લાગે નખશીખ હૂંફાળો !

ઉનાળાનું કેટલું સુંદર અને અસરદાર શબ્દચિત્ર !

🥀 🥀

*નગર મધ્યે*

નગર મધ્યે સ્વાદ સીમનો, ગંધ ગામની એવી એવી પીડે રે
આંબે બેઠી પાકી કેરી આખેઆખી કોરી નાખી કીડે રે

હોઠ અડે જ્યાં નળનાં પાણી

નદીકૂવાને ભાળું રે,

એ.સી.સ્વિચો  જ્યાં જ્યાં સળગે

      વડછાંયો સંભારું રે,

અડધીરાતે નગરપંખી ફરે પરત ના નીડે રે

નીર નથી આ ફીણ છે કેવળ

     કેમ તરસને ઠારું રે,

આંધી વચ્ચે ટમટમ  દીવો

     કેમ કરી સંભાળું રે?

મોલ ભરેલા સીમ વગડાનો દાટ વાળિયો તીડે રે

કલકલ કરતાં ઝેરી ઝરણાં

      શ્વાસે શ્વાસે ફરતાં રે,

ફાસ્ટફુડિયા નાગફણીધર

     ડંખ ગજબના ભરતા રે

આતમદેરી, સતકુબેરી  કોરે મેલી મન મોહ્યાં છે મીંડે રે
નગર મધ્યે સ્વાદ સીમનો, ગંધ ગામની એવી એવી પીડે રે

~ ભગીરથ બ્રહ્મભટ્ટ

ગીતનો સંપૂર્ણ પરિવેશ ધરીને આવતું આવેલું આ યે ઉનાળુ ગીત ! પણ વાતમાં છે – નગરજનો, નગરજીવન પ્રત્યે કટાક્ષની બાની! 

વડછાયા અને મોલ ભરેલા સીમ વગડા જેવા પ્રયોગોની સાથે ફાસ્ટફૂડિયા જેવો શબ્દ આઇસક્રીમમાં ડ્રાયફ્રૂટની જેમ કેવો આરામથી ગોઠવાઈ જાય છે!  

@@@@@

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

5 thoughts on “ભગીરથ બ્રહ્મભટ્ટ ~ બે ગીતો”

  1. હરીશ દાસાણી.મુંબઈ

    પ્રકૃતિ પ્રેમ તથા નગરજીવનની કૃત્રિમતા રજૂ કરતા સરસ ગીતો.

Scroll to Top