વંદનીય યોગેન્દ્ર વ્યાસ – ભગીરથ બ્રહ્મભટ્ટ
વંદનીય યોગેન્દ્ર વ્યાસ
ભાષાની ભીતરમાં જઈને તમે કર્યો નિવાસ…….
ધ્વનિ નામનો સિક્કો લઈને ગુર્જર ગામે ફર્યા
વાકદેવીના ચરણે જાવા પંડિત પગલાં ભર્યા
શબ્દો અર્થો ક્યાં જઇ કરશે પોતીકી તપાસ
વંદનીય યોગેંદ્ર વ્યાસ…
ધ્વનિઓમાંથી ચૂંટી લીધી ધ્વનિઘટકની ઝૂડી
એ ઝૂડી પણ થઈ ગઈ કેવી ગુજરાતની મૂડી
એ મૂડીથી તમે રચેલો સરસ્વતીમાં વાસ
વંદનીય યોગેંદ્ર વ્યાસ….
અક્ષરનું આકાશ મઢીને ઉચ્ચાર્યો વરસાદ
ગુજરાતીના વર્ણે વર્ણે પહોંચાડ્યો પરસાદ
ધ્વનિઘટકથી રૂપ સજાવ્યાં અનુગનો સહવાસ
વંદનીય યોગેંદ્ર વ્યાસ…
સમાસને આઝાદ કરીને સ્વયં થૈ ગ્યા કેદી
બજાર વચ્ચે ભીલી બોલી પ્રગટી જાણે વેદી
વ્યાકરણ થકી સાહિત્યનો ઉજ્જવળ કીધો અભ્યાસ
વંદનીય યોગેંદ્ર વ્યાસ…
બે કિનારા વચ્ચે તમે કૌશલપૂર્વક સર્યા
કેટકેટલા દીવા પાછા નૌકા થઈને તર્યા
શબ્દ સરીખા અંજન આંજી ઊજળી કીધી અમાસ
વંદનીય યોગેંદ્ર વ્યાસ…
સાગર અને શશી સાથે જનમ જનમની પ્રીતિ
સંકુલ સઘળું સરળ કર્યું છે કેવી શિક્ષણ રીતિ !
મ્લાન પુષ્પો ઊઘડી જાતાં વગમાં વહે સુવાસ
વંદનીય યોગેંદ્ર વ્યાસ…
– ભગીરથ બ્રહ્મભટ્ટ
હાલમાં જ વિખ્યાત ભાષાવિદ ડો. યોગેંદ્ર વ્યાસનું અવસાન થયું. એમની વિદ્વત્તાને કવિએ આમ કાવ્યમાં પ્રસરાવી છે. એમની સર્જક ચેતનાને વંદન.
14.10.21
***
છબીલભાઈ ત્રિવેદી
16-10-2021
ભગીરથ બ્રહમભટ સાહેબે મુરબ્બી ભાઈ શ્રી યોગેન્દ્ર વ્યાસ ને ખુબજ ભાવ સભર કાવ્યાંજલી આપી અેમની લાગણી અને ભાવ કાવ્ય મા દેખાય આવે છે બન્ને કવિઓ ને વંદન આભાર લતાબેન
