
દીવા પ્રગટ્યા સોળ
વળાંક વળતાં રસ્તા વચ્ચે આંખ અડી ગૈ
દીવા પ્રગટ્યા સોળ,
સોળ વ૨સની લજામણીની અંદ૨અંદર
કાયા રાતીચોળ.
તમ્મર છૂટ્યા ભમ્મર છૂટ્યા
ભૂલી ભમ્મર ભાન,
ઢમ્મક ઢોલક ભીતર વાળ્યાં
તનમાં ધિન્નક તાન.
આંધી ઊમટી વાદળ ગ૨જ્યાં વીજ વછૂટી
મનમાં ટહુક્યા મો૨
દીવા પ્રગટ્યા સોળ.
તેજ લસરકે છાની છલકી
છલકી માલીકોર.
નેણવ્હેણમાં ડબાક ડૂબી
ડૂબી માથાબોળ;
ચકચક માંજ્યો કાય કળશિયો નવો અને નક્કોર
દીવા પ્રગટ્યા સોળ.
~ ભગીરથ બ્રહ્મભટ્ટ
‘દીવા પ્રગટ્યા’ એટલું જ નજરે ચડે તો લાગે કે દીપકાવ્ય હશે…. પણ ના, આ તો સોળ વરસે પ્રટેલા જોબનના દીવાની વાત છે. સોળમા વરસે છોકરીની મચલતી તોફાની કાયા ને આંખોમાં છલકતી મસ્તીની માયાનું જરા જુદા લહેકામાં રચાયેલું આ ગીત, આ પ્રકારના કાવ્યોમાં સાવ જુદી જ ભાત પાડે છે.
જાળું
કોણે ગૂંથ્યું જાળું?
તારતાંતણે કરોળિયાએ ગૂંથ્યું કેવું તાળું ?
સાવ અમસ્તી લાળે કેવી
ભાત ગજબની પાડી?
જાળીવાળી જેલ ચણી કે
બાંધી બંધન વાડી?
પાકો કેદી કરોળિયો છે ખુદ કરે રખવાળું!
વસ્ત૨ માફક તાણે વાણે
ગૂંથી દેતો જાદુ,
ભૂલ વગ૨ની ભુલામણીનું
ગણિત કેટલું સાદું!
જ્યાં જ્યાં જાળું ત્યાં અંધારું – કોણ કરે અજવાળું ?
~ ભગીરથ બ્રહ્મભટ્ટ
અને આ તો સાવ જુદા પ્રકારનું. કરોળિયાના પ્રતીકથી કવિ જીવનની માયાજાળની અલગ અંદાજથી રજૂઆત કરે છે. સંતોએ ચિંધેલી સનાતન વાત પણ સાવ નોખી રજૂઆત.

કવિ શ્રી ની બન્ને રચનાઓ ખુબ ગમી અભિનંદન
વાહ, બંને કવિતા અદ્ભૂત છે, મજા આવી ગઈ.
તમે સાજા થઈ ગયા એનો આનંદ છે.
સર્જક ભગીરથ બ્રહ્મટ્ટ સાહેબના બેઉ ગીત અદભૂત છે. ઉત્તમ પ્રકારના આવા ગીતોના સર્જન માટે સર્જકને અભિનંદન.