

🥀🥀
*બીક*
એને
મરણની અસર નથી થતી,
સ્મરણની પણ અસર નથી !
વરસાદમાં પલળે પણ ન ઉચ્ચરે કશું
ઉત્સવ જેવું પણ ન પ્રગટે કશું એનામાં,
આનંદ કે આંસુનું પણ
નથી નામોનિશાન એના ચહેરા પર,
મને બીક છે,
કે
આપણા નગરને ચાર રસ્તે ઊભેલી
આ
પ્રતિમા
ક્યાંક માણસ ન થઈ જાય
~ ભાગ્યેશ જહા
ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ શ્રી ભાગ્યેશ જહાને ત્રીજી વખત ફરી આ જ પદે બિરાજમાન થાય છે. ગુજરાતી સાહિત્ય માટે ગૌરવપૂર્ણ ઘડી. કવિને અઢળક અભિનંદન 🌺🌺🌺🌺🌺
*માનવીની મશીનિયત ~ લતા હિરાણી*
માઈલોથી વહી આવતી વાયુની લહેર એક પ્રતિમાને સ્પર્શે છે અને વેરવિખેર થઈ ડાબે-જમણે ફંટાઈ જાય છે. ભર્યા ભર્યા આકાશેથી વાતાવરણને વીંધી લસલસતા ફોરાં સર્યે જાય છે, ક્યાક ધરતીને સ્પર્શી હૂંફાળું ગીત જગવે છે ને ક્યાંક ચાર રસ્તે ઊભેલી પ્રતિમાને સ્પર્શતાં તૂટીફૂટી ચારેકોર છંટાઈ જાય છે. ગલીઓમાં આડેધડ ભીડ કરીને ઊભરાતું અંધારું એકાદ પ્રતિમાના સ્પર્શે અચાનક અંટાઈ જાય છે.
પ્રતિમાને આકાર છે, સરોકાર નથી. ચહેરો છે, ચાહત નથી. પડઘા વગરના કાનમાં નર્યો સૂનકાર અને દૃશ્ય વગરની આંખમાં નર્યો અંધાર પહેરીને એ ઊભી છે. વેગ વગરના સ્થિર પગ એનું ભાગ્ય છે. હાથ છે પણ સ્પર્શની મોસમથી સાવ અજાણ. ગતિ, સ્વગતિ કે પ્રગતિ સાથે એને કોઈ સંબંધ નથી. કદાચ એટલે જ કોઈ શિલ્પીને એની હથેળીમાં રેખાઓ આંકવાનું જરૂરી નહી લાગ્યું હોય. એ સ્થિર છે પણ અનાસક્ત ભાવથી નહી. જડતા એના પ્રત્યેક કણમાં છે. એની આસપાસ બધું થયે જાય છે. એને કશું કરવાનું નથી. એ બધ્ધ છે, એના સ્થાનમાં ને એ મુક્ત છે તમામ અસરોથી દૂર….
કવિ એટલે જ કહે છે, એ મરણ કે સ્મરણથી કોસો દૂર છે. પીડા એને વીંટળાઈ શકતી નથી કે કોઇની યાદ એને તડપાવી શકતી નથી. આંસુ અને સ્મિત સાથે એને કોઈ સંબંધ નથી, સિવાય કે એને જેટલા પહેરાવ્યા હોય ! એટલું માપ એ જાળવી રાખે છે, તૂટતાં લગી. ધોધમાર વરસતા વરસાદમાં તદ્દન નિશબ્દ રહી અળગા રહેવું એનું કામ. એના હોઠો પરથી ન આહ પ્રગટે, ન ચાહ. ઉત્સવની રંગીનીથી એ અનભિજ્ઞ.
મને આશ્ચર્ય છે કે પ્રેમીઓ ‘તારી પ્રતિમા મારા કાળજે કોતરાઈ ગઈ છે.’ એવું કેમ કહેતા હશે ? ‘પ્રતિમા’ની જગ્યાએ ક્યાંક ‘છબી’ શબ્દ પણ વપરાય છે. બંનેનું કામ એક જ છે. ભાવ-પ્રતિભાવવિહીનતા ! એક પાત્ર દુખના દરિયામાં ડૂબ્યું હોય તોય પ્રતિમા / છબીના હાસ્યની એકપણ રેખા ન બદલાય, ન વિલાય.
એની સામે એક જીવતો જાગતો સંવેદનશીલ માનવી ! જેના પ્રત્યેક ધબકારમાં જીવન ધબકે ! એક એક શ્વાસે એક આખું વિશ્વ એનામાં ઊગે ને આથમે. ખુશી અને પીડા એના રોમેરોમને સ્પંદિત કરે. એને હસાવે, રડાવે. પીડે અને પંપાળે. પણ માનવ આવો જ હોત તો જીવન લીલાછમ્મ હોત. પાનખર ભલે ઋતુ પ્રમાણે આવે પણ હૈયાને પાનખર સ્પર્શત નહી. પણ આવા માનવી હવે શોધવા નથી પડતા ? આખાય કાવ્યમાં આ પીડા છલકે છે. માનવી પ્રતિમા જેવો થતો જાય છે. એમ કહીએ કે માનવી અને પ્રતિમામાં ઝાઝો ફરક રહ્યો નથી. જુઓને, સવાર સવારમાં છાપું વાંચીને કેટલાના હૈયે નિસાસા ફૂટે છે ! નફરત, વેર-ઝેર, ક્રૂરતા સીમા વટાવી પથરાયા કરે છે ને માનવી એના સ્વાર્થમાંથી ઊંચો નથી આવતો ! પ્રેમના મારગ ને દોસ્તીની દિશાઓ ભૂંસાતી જાય છે. ચારેકોર પ્રતિમા જેવા માણસોની વસ્તી વધતી જાય છે જેને કોઇની પીડાની પરવા નથી. ભર્યા ભંડાર વાસી દઈ ભૂખ્યાના મોમાંથી ટુકડો છીનવતાં એના કાળજે ધ્રુજારી નથી થતી. એને સ્મરણ માત્ર સ્વાર્થનું એટલે જ કવિને બીક છે અને કહી ઊઠે છે કે, ‘આપણા નગરને ચાર રસ્તે ઊભેલી, આ પ્રતિમા ક્યાંક માણસ ન થઈ જાય…’
મશીનની જેમ જીવ્યા કરતા માણસોથી આ પૃથ્વી હવે કદાચ થાકી ગઈ છે. આ જડતાનો ભાર એ ઉઠાવી નથી શકતી. મણ મણના વૃક્ષોનો એને ભાર નથી લાગતો. પહાડોના પહાડો અને દરિયાઓ એની છાતી પર સલામત છે, રેલમછેલ કરે છે.. એ માતાની જેમ સાચવી શકે છે પણ આ નાપાક, સ્વાર્થી માનવીથી એ થાકી છે. જડ પ્રતિમાઓ ઊભી કરનાર માનવી એના જેવો જ થતો જાય છે હવે એમાં વધારો ?
મીરાંની જેમ મને મળજો * ભાગ્યેશ જહા * નવભારત 2011
*****

વાહ, ખૂબ જ સરસ અભિવ્યક્તિ. કવિ શ્રી ઝા સાહેબને અભિનંદન, આનંદ.
વાહ ખુબ સરસ અભિનંદન કાવ્ય વિશ્વ
શ્રી ભાગ્યેશભાઈને અધ્યક્ષ સ્થાને નિયુક્ત થવા બદલ અભિનંદન. કાવ્ય પણ માર્મિક છે.
Pingback: પિયુષ ચાવડા ~ ‘બધું જ કાવ્યમય લાગે છે’ (ભાગ્યેશ જહાની ચૂંટેલી અછાંદસ કવિતા) (કાવ્યસંગ્રહ) - Kavyavishva.com