*ઝંખે છે ભોમ*
ઝંખે છે ભોમ પાણી પાણી ઓ, મેહુલા!
ઝંખે છે ભોમ પાણી પાણી
તુંને શું આગ આ અજાણી? ઓ મેહુલા!
મેલાં આકાશ, જાણે મૃત્યુની ખીણ ખડી,
સૂરજની ચેહ ત્યાં ચેતાણી, ઓ, મેહુલા!
હજીયે ખડા ન ખેંચાણી? ઓ, મેહુલા!
રૂંધ્યા છે વાયરા ને રૂંધી રતૂમડી
મેલી દિશાઉં ધૂંધવાણી… ઓ, મેહુલા!
તોયે ના આરજૂ કળાણી? ઓ, મેહુલા!
ઉજ્જડ ટીંબાની વાવ ખાલી ભેંકાર પડી,
સીમે આ શોકસોડ તાણી ઓ, મેહુલા!
તોયે ન પ્યાસ પરખાણી? ઓ, મેહુલા!
ભાંભરતાં ભેંસગાય, પંખી ગુપચુપ જોય
ચાંચો ઉઘાડી… બિડાણી…ઓ, મેહુલા!
જાગી ન જિંદગીની વાણી? ઓ, મેહુલા!
મારી માનવની આંખ જોતી ક્ષિતિજે કરાળ
તારી ના એક રે એંધાણી ઓ, મેહુલા!
તારી કાં એક ના એંધાણી? ઓ, મેહુલા!
~ ભાનુભાઈ વ્યાસ સ્વપ્નસ્થ’ (13.11.1913-23.10.1970)
પન્નાલાલ પટેલની ‘માનવીની ભવાઇ’નો દુષ્કાળ આંખ સામે ખડો થઈ જાય !
રાજકોટના વતની અને મુંબઈ નિવાસી કવિ.
કવિના કાવ્યસંગ્રહો : અજંપાની માધુરી, ચિરવિરહ.
મૂળ પોસ્ટીંગ 17.11.2022
જન્મદિવસે સ્મ્રુતિવંદન
વાહ.. વંદન
આહ! નાનપણમાં ગાતાં હવે તેનો કરૂણ ભાવ સમજાય છે.
સાચું. ત્યારે મિકેનીકલ ગવાતું.