
સ્વપ્ન કોરી આંખ પર ડૂસકે ચડ્યું,
સાવ સૂનું આ નગર ડૂસકે ચડ્યું.
સાંકળે ઝૂર્યા ટકોરા રાતભર
ખૂલવાને બંધ ઘર ડૂસકે ચડ્યું.
ઝુમ્મરે ચકરાઇ અજવાળાં ખર્યાં
નભ બુઝાતું રાતભર ડૂસકે ચડ્યું.
પાનખર તો વૃક્ષનું બહાનું હતું
પર્ણ છૂટ્યા સાથ પર ડૂસકે ચડ્યું.
બસ ! ઉદાસી ઉંબરે અટકી ગઈ
આંખથી વહેવા જિગર ડૂસકે ચડ્યું.
ઘા નગારા પર પડ્યો ને શું થયું
ગામ હોંકારાસભર ડૂસકે ચડ્યું…….
~ ભારતી રાણે
ભારતી રાણેને આપણે હવે બીજી વિશ્વપ્રવાસી ગુજરાતી નારી તરીકે ઓળખી શકીએ.
આખીયે ગઝલમાં વિષયનું સાતત્ય સતત જળવાય છે. ગઝલનો એક અખંડિત લય છે ધોધમાર રૂદન. એકસૂત્રે પરોવાયેલા વિષાદની ભાવસૃષ્ટિ અહીં અભરે ભરી છે. ટકોરાનું ઝૂરવું, બંધ ઘરનું ખુલવા માટે ઝંખવું, અજવાળાનું ચકરાઇને ખરવું, નભનું બુઝાવું કે વૃક્ષનું પર્ણથી વિખુટાવું જેવા પ્રતિકો દ્વારા કવિએ સૃષ્ટિની ચેતના સાથે પોતાની પીડાને જોડી છે. નભ ભલે બુઝાય પણ વિષાદનો ધોધમાર વરસાદ ગઝલના પ્રત્યેક શેરમાં આંસુના વિશ્વને ઉઘાડે છે. પીડા એ માનવ અસ્તિત્વનો પર્યાય છે. દેખાય કે ન દેખાય પણ પીડાના અનુભવ વગર મનુષ્યનું હોવું શક્ય નથી.
આ ગઝલમાં આંસુના પ્રવાહની અલગ અલગ પ્રતીકાત્મક અભિવ્યક્તિ, એક નવી અનુભૂતિ આપવામાં સફળ થાય છે. જાત સાથે સંવાદ સાધતાં આવડે તો કવિતા રચવા-સમજવાનો સેતુ બને એટલે જ અહીંયા આંસુ નરી આંખે દેખાશે નહીં, ડૂસ્કાં કર્ણેન્દ્રિયથી સાંભળી શકાશે નહીં. હા, આખીયે ગઝલને બંધ આંખે અંદર ઉતરવા દઇએ તો બેય કાંઠે છલકાવાનું શક્ય બને !! બધા જ શેરમાં જળવાયેલી વિષયની સાતત્યતા અને અંગત અનુભૂતિના ઘટાટોપ વાદળો આ ગઝલને ઊર્મિકાવ્ય પણ સિદ્ધ કરે છે.

ખુબ સરસ મજાની રચના અને અેટલોજ સરસ આસ્વાદ વંદન
આભાર છબીલભાઈ
વાહ….સુંદર ગઝલ…
સુંદર કવિતા છે અને લતાબેન પરકાયા પ્રવેશ કરતા હોય તેમ કવયિત્રીના સંવેદનવિશ્વમાં હળવા પગલે આગળ વધતા જાય છે.
આભાર હરીશભાઈ.
ઊર્મિગીતનાંય લક્ષણો ધરાવતી ગઝલના ભાવવિશ્વને લતાબહેને ઉઘાડી આપતાં રચના વધુ આસ્વાદ્ય બની છે.વિશ્વપ્રવાસી ભારતી રાણેનું સ્વગત છે. અભિનંદન.
ખૂબ જ સુંદર ગઝલ છે, અને લતાજી આપે સંપૂર્ણ ભાવ વિષાદને અભિવ્યક્ત કર્યો છે.
આભાર મેવાડાજી