
ગ્રીષ્મનો તડકો
ગ્રીષ્મનો તડકો ખીલ્યો છે, ગુલમહોરના વૃક્ષ પર
તેજનો ભારો લળ્યો છે, ગુલમહોરના વૃક્ષ પર
સૂર્યના તોખારથી, ભયભીત છે આખું નગર
ફૂલનો મેળો મળ્યો છે, ગુલમહોરના વૃક્ષ પર
જ્યાં નદી વહેતી હતી, ત્યાં છે નરી વેરાનગી
રૂપનો વ્હેળો વહ્યો છે, ગુલમહોરના વૃક્ષ પર
સાવ સૂની છે ગલી ને સાવ સૂની સીમ છે
મીઠડો ટહૂકો જડ્યો છે, ગુલમહોરના વૃક્ષ પર
કોણ ફેંકે છે નજરના તીર ઊભી વાટમાં ?
શેરડો જોને પડ્યો છે, ગુલમહોરના વૃક્ષ પર…
~ ભારતી રાણે
પર્યાવરણ દિને ભારતી રાણેની આ ગઝલ…. ‘કાવ્યવિશ્વ’ના ભાવકોને અર્પણ

Pingback: 🌹5 જુન અંક 3-1180🌹 - Kavyavishva.com
શેરડો પડ્યો છે….ગુલમહોર પર (!) વાહ વાહ
ખુબ સરસ રચના પર્યાવરણ રક્ષા જ જીવન બચાવશે
વાહ સરસ અને વાસ્તવિક અભિવ્યક્તિ છે.
ખૂબ સુંદર, રંગભરી રચના.
પર્યાવરણને આમ ચાહી શકાય… તો કોઇ બાત બને!!
પર્યાવરણની નિસ્બત ધરાવતી રચના સરસ છે.
પર્યાવરણ દિને ખૂબ સારી ગઝલ,અભિનંદન.
સરસ ગુલમહોરી ગઝલ.