🥀🥀
ચાલ તારી ચાલજે તું,
ચાલ તારી ચાલજે તું
ચાલ તારી—
કેટલું માએ કહ્યું’તું? હાય, સારી
વાત કાં ભૂલી ગયો? આજે સવારે
જયાં નદીમાંથી જરા કરવા ચડી આવ્યો કિનારે
દૂર સસલું કૂદતું, જોઈ જરા
ઠેકવાનું મન થયુ, ઠેકી લીધું થોડું, ત્વરા
આવી ગઈ પગમાં, જરા ઊંચે નિહાળી
જોઉં તો બગલું ઊડે! કેવુ ઊડે! જાગી સફાળી
પાંખ મારે અંગ ત્યાં તો મા તણી
આવી શિખામણ યાદ, મારાં ઘર ભણી
પગલાં પડે ત્યાં પાંખ ફૂટે
પાંખ ફૂટે ત્યાં વળી પગમાં પડેલ કમાન છૂટે.
આ બપેાર થવા આવ્યો અને
કૂદકો મારું, પડું ઊંધો, તરફડું, ચીસ નાખું, રેતમાં સળગું
શેને હવે વળગું?
કોઈ આવી ઊંચકી લો; ઊંચકો કોઈ મને!
~ મકરન્દ દવે (13.11.1922 – 31.1.2005)
🥀🥀
જૂનો રે ડગલો જુદો નવ પડે
નવો મારે ચડે નહીં અંગ,
ઉપરણાં વણે તું નવ નવ તેજનાં
મને અહીં વાસી વળગે રંગ;
કિરણો વરસે ને કાળપ ઝગમગે.
આભમાં જોઉં તો ઠપકો આપતો
સૂરજ તપી તપી જાય,
નીચે જોઉં તો તરણું નાચતું
ભાઈ, એનું હસવું નો માય;
અમે રે માણસ, મારગ ક્યાં મળે ?
પળે પળે ઊડવાની પાંખ નંઈ,
નંઈ કોઈ મૂળનાં મુકામ,
ઊભું રે અધવાટે અંધું પૂતળું
ખેલ એનો ફૂંકમાં તમામ;
અંગારા ઝગે ત્યાં રાખ ફરી વળે.
~ મકરંદ દવે (13.11.1922 – 31.1.2005)
🥀🥀
મુસીબતોની શું વાત કરવી ! મુસીબતો સૌ મતા બની છે,
અમારે તમરાં થકી જ ઘરની ભરીભરી શૂન્યતા બની છે.
તમારી સૂરત રમી રહી’તી નજર નમી તો નજરની સામે,
નજર ઉઠાવી તો એક પળમાં ન જાણે ક્યાં બેપતા બની છે !
હરેક દિલમાં છે એક દેરી, હરેક દિલમાં છે એક મૂરત,
ફળે ન તોપણ તમામની જિંદગી અહીં માનતા બની છે.
કહો, શું કરવી ફરીફરીને પુરાણા જુલ્મો–સિતમની વાતો ?
મને મહોબ્બત તણી બિછાતે ખુશીની ઝાકળ ખતા બની છે.
અમે તો ખાલી કરીને હૈયું તમોને સારી વ્યથા સુણાવી,
તમે કહો છો, જરૂર સારી, લખી જુઓ, વારતા બની છે.
સમૂળગી જ્યાં ઉખેડી નાખી ફૂટ્યા ત્યાં ટીશી–ટીશીએ ટશિયા,
ઢળી તો રાતાં ફૂલોથી કેવી લચેલ આશા–લતા બની છે !
કહું શું કોને ઇશારે મારી રહીસહીયે સમજ સિધાવી,
હવે ભિખારણ થઈને ભમતાં બની–ઠની સૂરતા બની છે.
~ મકરંદ દવે (13.11.1922 – 31.1.2005)
🥀🥀
કો’કના તે વેણને વીણી વીણીને, વીરા !
ઊછી – ઉધારાં ન કરીએ;
હૈયે ઊગે એવી હૈયાની વાતને
ફૂલ જેમ ફોરમતી ધરીએ.
કોયલ તો કોઈનો ટહુકો ન માંગે ને
મોરલો કોઈની કેકા
માનવીનું કાળજ તે કેવું કર્યું ?
પીડ પોતાની, પારકા લ્હેકા ?
રૂડા રૂપાળા સઢ કો’કના શું કામના ?
પોતાને તુંબડે તરીએ….
હૈયે ઊગે એવી હૈયાની વાતને
ફૂલ જેમ ફોરમતી ધરીએ.
કોઈ કોઈ સંભારે રામટેકરી,
કોઈ ઓઢા–હોથલની ગુહા,
ચોમાસે ક્યાંક ક્યાંક શલોક ચગે
ક્યાંક દરદે નીંગળતા દુહા;
જીવતીને જાગતી જીવનની ખોઈમાં
કોઈની ભભૂત ન ભરીએ.
હૈયે ઊગે એવી હૈયાની વાતને
ફૂલ જેમ ફોરમતી ધરીએ.
પોતાની વાંસળી પોતે બજાવીએ ને
રેલાવી દઈએ સૂર,
ઝીલનારું એને ઝીલી લેશે, ભલે
પાસે જ હોય કે દૂર;
ઓલ્યા તો મોતમાં જીવી ગિયા, વીરા !
જીવતાં ન આપણે મરીએ.
કો’કના તે વેણને વીણી વીણીને, વીરા !
ઊછી – ઉધારાં ન કરીએ.
~ મકરન્દ દવે (13.11.1922 – 31.1.2005)
🥀🥀
‘મનુષ્યમાં પોઢેલા મહાવીરને’
ખુલ્લા મેદાનમાં ખેલો
બજરંગ હવે ખુલ્લા મેદાનમાં ખેલો
ગામ ગામ રાવણના થાણા જામ્યા છે ને
જામ્યો વેતાળનો જમેલો
હાક પાડીને હવે ઊઠો હનુમાન
આવી જુલમી જમાતને હડસેલો
રાંકડી પ્રજાને પાવ દૈવતનો પ્યાલો
જે રામજીના પ્રેમથી ભરેલો
સાફ કરો સેતાની દોર ને દમામ સાવ
સત્તાના રોગથી મઢેલો
આવો પ્રચંડ વીરા, ભાંગો ઘમંડ
હવે ડાંગો ગઢ સોને મઢેલો
છેલ્લો પુકાર સુણો મદથી છકેલ
આ હુંકારે બજરંગ રણઘેલો
બજરંગ હવે ખુલ્લા મેદાનમાં ખેલો
~ મકરંદ દવે (13.11.1922 – 31.1.2005)
રચના કાળ 2002
જન્મદિને કવિને સ્મૃતિવંદના
વાહ બધાજ કાવ્ય ખુબ સરસ ખુબ ગમ્યા પ્રણામ
વાહ.. પાંચે પાંચ કાવ્યો ખૂબ સરસ.. કવિશ્રીની જન્મજયંતીએ સાદર વંદન
વાહ ખૂબ સરસ કાવ્યો…