
🥀🥀
*સદ્ભાવના*
ના મારે તુજ ભેટ, બક્ષિસ ન વા તારી કૃપા જોઈએ
છું એવો નહિ રંક કે અવરની મારે કૃપા જોઈએ!
આવ્યો છું લઈ નગ્દ હાથ, કરવા સોદો મને ભાવતો
થા મારી, જન આ નિખાલસ તણી જો ચાહના જોઈએ.
જો તું દાન કરે મને, ભગવતી! દે દાન હૈયા તણું
હૈયું સાફ પરંતુ કાચ સરખું તે હોવું હા જોઈએ.
જેમાં જોઈ શકું મુહબ્બત તણી તસ્વીર ખેંચાયલી
રાજા ચોર લિયે હરી નહિ નહીં એવી મતા જોઈએ.
આપે તો ગુજરાન આપ મુજને મારી લઈ ખાતરી
થોડા આપ દિનો વળી સુખ તણા ના વાસના જોઈએ
તે મારી નથી માગણી તુજ કને સંકોચ જેનો તને
ઝાઝું જો તુજ પાસ હોય નહિ તો સદ્ભાવના જોઈએ.
~ મગનભાઇ ભૂધરભાઈ પટેલ ‘પતીલ’
(8.8.1905 અંકલેશ્વર -18.3.1970 વડોદરા)
*****
*આ લીલા લીલા લીમડા તળે*
આ લીલા લીલા લીમડા તળે
થાકેલો કોઈ રાહિયો મળે
કરાર કેવો કાળજે વળે—
જો આમદાનો ભાગિયો મળે?
કોમના ગરાસ તો ગયા
મો’લના ઉજાસ તો ગયા
હારીડા તણો લાવતો પતો
સજાત, દીન ખેપિયો મળે!
હલેત દશા, એકલાપણું –
કશો ન લાભ, સાંખવું ઘણું,
માહરા શેતાન રુદેનો
કો ઠારનાર ગોઠિયો મળે!
~ મગનભાઇ ભૂધરભાઈ પટેલ ‘પતીલ’
(8.8.1905 અંકલેશ્વર -18.3.1970 વડોદરા)
મગનભાઈ ભૂધરભાઈપટેલ ‘પતીલ‘
કાવ્યસંગ્રહ ‘પ્રભાત નર્મદા‘ (૧૯૪૦). બ. ક. ઠાકોર અને રા. વિ. પાઠક કે નિરંજન ભગત, લાભશંકર ઠાકર જેવા કવિ-વિવેચકોનું ધ્યાન ખેંચનાર કવિ. ~ સુરેશ દલાલ
***
‘ઇક્લેસરી’, ‘ધૂન ધૂન’, ‘જયસેના’, ‘નીલપદ્મ’, ‘યશોબાલા’, ‘સ્નેહનંદન’, ‘સ્નેહનૈયા’ અન્ય ઉપનામો. 1946થી 1948 સુધી ‘ગુજરાત’ દૈનિકના સાહિત્યવિભાગનું સંપાદનકાર્ય કર્યું.
નર્મદા વિશેનું તેમનું પ્રથમ કાવ્ય ‘પ્રસ્થાન’(1931)માં છપાયું.
આત્મલક્ષી ઢબે બહુધા મસ્તી અને વેદના ગાનારા આ કવિએ પ્રકૃતિ અને પ્રણયનું નિરૂપણ કરતી કૌતુકરાગી કવિતા આપી છે. ફારસી શબ્દો અને સંસ્કૃત વૃત્તોનો વિશિષ્ટ ઉપયોગ એ ગઝલ અને સૉનેટ જેવાં કાવ્ય–સ્વરૂપોમાં સમાંતર ગતિ કરનારા આ કવિની લાક્ષણિકતા છે. ‘પ્રભાત–નર્મદા’ (1940) કાવ્યસંગ્રહમાં આત્મલક્ષી પદ્યપ્રયોગો છે, કેટલીક નર્મમર્મની સુંદર રચનાઓ પણ છે. બ. ક. ઠાકોરના શિષ્યને છાજે તેવી વિચક્ષણ સાહસિકતા તેમના પદ્યપ્રયોગોમાં જોવા મળે છે.
શાલિની અને સ્રગ્ધરાનાં સુભગ છંદ–મિશ્રણો, શાર્દૂલવિક્રીડિતનું અભ્યસ્ત છંદરૂપ, પુષ્પિતાગ્રા, પ્રહર્ષિણી, ભ્રમરાવલી, ભુજંગપ્રયાત જેવા છંદોના સફળ પ્રયોગો એ તેમની વિશિષ્ટ સિદ્ધિ છે.
શચી અને ઇન્દ્રે માનેલ કથાના પ્રસાદ માટે જોઈતી ખાંડ મેળવતાં નારદે વેઠેલી હાડમારીનું ઉપહાસાત્મક નિરૂપણ કરતી કૃતિ ‘વાસવક્લેશપરિહાર’ (1951) લાંબું હાસ્યરસિક આખ્યાન છે. આ ઉપરાંત હિન્દી ભાષામાં રચેલ ગઝલ, તરાના અને ખાંયણાંનો સંગ્રહ ‘નયી તર્ઝેં’ (1953) પણ તેમણે આપ્યો છે.
પતીલની રચનાઓના મરણોત્તર સંગ્રહો ‘મારી ઉર્વશી’ (1975), ‘અટૂલી અનાર’ (1975) અને ‘વ્યામોહજવનિકા’ (1975) સંપાદિત કરીને નટવરલાલ મગનલાલ પટેલે આપ્યા છે.
~ વીણા શેઠ
સૌજન્ય : માહિતી + ફોટો : ગુજરાતી વિશ્વકોશ (ટૂંકાવીને)
ખૂબ જ સરસ કાવ્યો અને માહિતી. સ્મૃતિ વંદન.
કાવ્યોની શૈલી નોખી લાગી. આસ્વાદ પણ કાવ્ય સમજવામાં ઉપકારક બન્યાં છે.
ના મારે તુજ ભેટ બક્ષિસ વા તારી કૃપા જોઈએ – પતીલની આ રચના શાર્દૂલમાં લખાયેલી છે ને મારા મતે અક્ષરમેળ છંદમાં લખાયેલી આપણી પ્રથમ ગઝલ છે. ખૂબ ગમ્યું.
સરસ નાવિન્યપુર્ણ રચનાઓ ખુબ ગમી આવી અવનવી રચનાઓ થી કાવ્ય વિશ્વ સભર છે અભિનંદન
વાહ વાહ, બાળપણમાં ભણેલી કવિતા, શાળાના દિવસો યાદ આવી ગયાં. 👌🏻👌🏻👌🏻🌹🌹🌹