વસ્તીની આસપાસ ~ મણિલાલ દેસાઈ
વસ્તીની આસપાસ ઊગી જાય જંગલો,
મારા પ્રવાસમાં યે ભળી જાય જંગલો.
તારા એ પ્રેમને હવે કેવી રીતે ભૂલું ?
કાપું છું એક વૃક્ષ, ઊગી જાય જંગલો !
જો તું નથી તો તાય, અહીં કોઈ પણ નથી,
તુજ નામ આસપાસ ઊગી જાય જંગલો.
સૂકું જો ખરે પાન તો એની ખબર પડે,
વ્હેલી સવારે ઘરમાં ફરી જાય જંગલો.
લીલો અવાજ મોરનો હજુ યે ઉદાસ છે –
એ સાંભળીને રોજ તૂટી જાય જંગલો.
ચાવું છું ભાન ભૂલી તણખલું હું ઘાસનું,
ને મારે રોમ રોમ ઊગી જાય જંગલો.
લીલાં ને સૂકાં પાન ખરે છે ઉદાસીનાં,
ને શૂન્યતાના ઘરમાં ઊગી જાય જંગલો.
~ મણિલાલ દેસાઈ
આજે કવિ મણિલાલ ભગવાનજી દેસાઇની પૂણ્યતિથિ. યુવાનવયે જેમની જીવનલીલા સંકેલાઈ ગઈ એવા આ કવિના કાવ્યોમાં ગ્રામ્યપ્રકૃતિ ધબકે છે તો નગરચેતનાની સંવેદનાઓ પણ આબાદ ઝીલાઈ છે. કવિની ભાવથી ભરીપૂરી અને લયથી છલકાતી રચનાઓનું સંપાદન આપણને એમના મૃત્યુ પછી જયંત પારેખ દ્વારા પ્રાપ્ત થયું. કવિ સુરેશ દલાલ એમને ‘અંધકારના રંગ, લય અને ગતિના કવિ’ તરીકે ઓળખાવે છે.
કવિને સ્મૃતિવંદના
OP 4.5.22
***
સાજ મેવાડા
05-05-2022
કવિ શ્રી મણિલાલ દેસાઈની ખૂબ જાણીતી ગઝલ. સ્મૃતિ વંદન.
દીપક વાલેરા
04-05-2022
વાહ
