*આભ*
આભને નહીં હોય રે આભની માયા,
નહીં તો એ વેરાન કે વને, આવળ બાવળ ઝાડ કે જને
ડોળતું નહીં ર્.હેય રે એની સોનલવરણી છાયા!
વાદળી જરાક ઝૂકતી, જરાક ઝરતી ક્વચિત્ નાવ લઈને નિજની
રહેતી ક્ષિતિજતીરે ફરતી દિવસરાત,
ક્યારેક ખાલીખમ ને ક્યારેક ભરતું ચોગરદમ, બીડેલા રીસમાં
રાધાશ્યામના જેવા હોઠ તો જાણે માંડે ઝાઝી વાત!
ક્યાંક સમાવે પાંખમાં પવન, ક્યાંક પવનને પાંખમાં ભરી
આવતું તરી દૂરથી મૂકી દૂર રે એની કાયા!
ઊતરે જોઈ જલ ને રહે ઝૂકતું જોઈ થલ, જરામાં લાગતાં ઝોકો
વેરાઈ જતું માનવી મનેમંન;
નમતે પ્હોરે તળાવપાળે કૂવાથંભે ઊતરી બેસે ચકલાંટોળું,
લાગતું ત્યારે નભને જાણે ભીંજતું એનું તંન !
કોઈ વેળા વન ઝૂકતાં, ઝાડવાં તૂટતાં, બાગમાં છૂટતા ફૂલફુવારા
એની સાત સમુંદર તરતી ર્.હેતી છાયા !
~ મણિલાલ દેસાઈ (19.7.1939 – 4.5.1966)
*****
*બાને*
ગયાં વીતી વર્ષો દશ ઉપર બે-ચાર તુજથી
થયે જુદા, તોયે મુજ હ્રદયની શૂન્ય કુટીરે
વિરાજેલી, બા ! તું. નવ કદીય હું દૂર ચસવા
દઉં. મારે માટે વિકટ પથમાં તું જ સઘળું.
હજી તારી કાયા મુજ નયન સામે ઝળહળે,
હજી તારો હાલો કરણપટ માંહી રણઝણે,
અને ગાલે મારે તુજ ચૂમી તણી સ્નેહવરષા
નથી ઝાંખી થૈ કૈં, કંઈ સહજ વા ગૈછ બદલી.
ઘણી વેળા રાત્રે ઝબકી જઉં ને ત્યાં જ નયનો
ઉઘાડીને ભાગી, ખબર નહીં ક્યાં, જાય સમણાં !
અને ત્યારે થાતું અવ ઢબૂરીને તું સહજમાં
ફરીથી સુવાડે, અરર પણ ના એ નસીબમાં.
વધે છે વર્ષો તો દિનદિન છતાં કેમ મુજને
રહે છે બોલાવી બચપણ તણી હાક તુજની ?
~ મણિલાલ દેસાઈ (19.7.1939 – 4.5.1966)
*****
*ડાંગરના ખેતરમાં તડકો*
ડાંગરના ખેતરમાં તડકો
રોજ સવારે ઝૂલે ડાંગર થઈને
રોજ સવારે તડકો ઝૂલે શેઢા ઉપર
પીળાં પીળાં રાઈ તણાં ફૂલ થઈને
દૂર ક્યારડો વાલોળે લીલો
ભમ્મર થઈને ચક્કર ચક્કર ઘૂમતો
ને પાસ થોરની ટોચ ટૂકડો આભ બનીને
ચટાક રાતો રંગ લહેરમાં ચૂમતો
બહાર ઊભેલો આંબો એનાં
પાન પાન આ ઊડી જાય રે પંખીટહૂકા થઈને
ડાંગરના ખેતરમાં તડકો
રોજ સવારે ઝૂલે ડાંગર થઈને
નીક મહીં ખળખળતા જળમાં
આભ પડી અમળાય
સૂરજનાં અસ્ત વ્યસ્ત ટુકડા તરતા રેલાય
કાંટાળા બાવળમાંથી સૂરજનાં કિરણો
જીર્ણશીર્ણ થઈ તિરાડ તૂટી ભોંય ઉપર ઠેલાય
રંગરંગનાં પડ્યાં ગાબડાં સીમ મહીં
ને સીમ તણા શેઢાઓ તો આ
ખીલે રે ફૂલે રે ઝૂલ સવાર થઈને
ડાંગરના ખેતરમાં તડકો
રોજ સવારે ઝૂલે ડાંગર થઈને
~ મણિલાલ દેસાઈ (19.7.1939 – 4.5.1966)

વાહ સરસ રચનાઓ ખુબ ગમી
વાહ, અછાંદસ, શિખરિણી સોનેટ અને ગીતનુમા રચનાઓ માણવાની મજા પડી.