
*રામભરોસે*
ઊંડી ખીણો ઊંચા ડુંગર ચડવાનું છે રામભરોસે ;
જીવ્યા જેવું જીવતર છે ને મરવાનું છે રામભરોસે.
ક્યાં હોડી ને ક્યાં હલ્લેસાં ક્યાં છે શઢ ને ક્યાં બેલીડા;
પથ્થર જેવી જાત લઈને ફરવાનું છે રામભરોસે.
જંગલની લીલાશ બનું યા પંખીની ઊડ્ડાન ભલે;
પાન બનું કે પીચ્છું મારું ખરવાનું છે રામભરોસે.
કાણી કોડી ફાટલ જૂત્તા તરસી આંખો લાંબા રસ્તા;
યાદોનો લઈ એક ખજાનો ફરવાનું છે રામભરોસે.
હું છું સપનું કે જોનારો હું પ્યાદું કે હું રમનારો;
તર્કવિતર્ક બધા છોડી દઈ રમવાનું છે રામભરોસે.
~ મધુમતી મહેતા
‘રામભરોસે’ રદ્દીફ લઈને આવતી આ ગઝલ નસીબને, કિસ્મતને સમર્પિત છે. અલબત્ત, સપનાં જોવાં કે પહાડો ખૂંદવા માટે આત્મબળ, સાહસ અને મક્કમ નિર્ધાર જોઈએ. અને માનવ બનીને પ્રયત્નથી ન છૂટી શકાય. હા, પરિણામ અંતે ઉપરવાળાને હવાલે – એટલું ખરું. એટલે જ કહ્યું છે ને ‘કર્મ કિયે જા, ફલ કી ઇચ્છા મત કર તું ઇન્સાન !’
ઈશ્વર પર બધું છોડી દેવાનું એ ઉમદા ગુણ છે પણ આ ગઝલ થોડો નિરાશાનો સૂર લાવે છે. આવું મને લાગે છે, તમને શું લાગે છે ?
🥀🥀
*ભરમની ભાંગ*
પરપોટાની કાયા એમાં ભાંગ ભરમની ચડી,
દરિયાની મેં કહી દીધું જા, મને નથી કંઈ પડી.
કણકણમાં મણમણ મુંજારા કયાંથી નિકળે તાગ,
તોય અમે ડૂમા, ડૂસકાંના રોજ ચૂકવતાં લાગ.
પતંગિયાની ફૂંકે એવી મોંભરીયે હું પડી,
પરપોટાની કાયા એમાં ભાંગ ભરમની ચડી.
કીર્તન લાગે કાંટાળા ના સુખ દુઃખના સંધાન,
કેડીના કાવતરામાં ના પગલાંના એંધાણ.
અડીકડીની વાવ વળોટ્યાંવેંત હું એવી દડી,
પરપોટાની કાયા એમાં ભાંગ ભરમની ચડી.
~ મધુમતી મહેતા
આ ગીત પણ એક સરસ ચિંતન લઈને આવ્યું છે.
🥀🥀
*ગમતી ગલિયું રાખો*
ગજવે ગમતી ગલિયું રાખો;
સરનામું ગોકુળિયું રાખો.
ઘરમાં ઘર ઘર રમવા માટે
એક શિશુ કલબલિયું રાખો.
આંખે અંધારાં ઉજવાશે,
હાથવગું ઝળઝળિયું રાખો.
હીબકાંઓ પણ હળવા થાશે
આંગળીએ ગલગલિયું રાખો.
નામ ઘૂંટો તો ઘૂંટો એનું
બાકી સૌ ગડબડિયું રાખો.
સ્મરણો ખરબચડાં હોવાનાં
અંગરખું મખમલિયું રાખો.
લાભ શુભથી ઉપર છે જે
મનમાં એ ચોઘડિયું રાખો.
~ મધુમતી મહેતા
પોઝીટીવીટીથી ભરી ગઝલ. બીજો, ત્રીજો અને ચોથો શેર…. મજા આવી ગઈ…
🥀🥀
થાશે જરૂર લહિયો લખવા તો દો હજી,
તરશે એ સામે પૂરે મથવા તો દો હજી.
વાસંતી વસ્ત્ર પાછાં પહેરીને આવશે,
પીળાં થયેલ પર્ણો ખરવા દો હજી.
તોડી શકાય એને, ચગળી ય પણ શકો,
જળની પ્રવાહિતાને ઠરવા તો દો હજી.
અંદર જે અટપટું છે એ બહાર આવશે,
અમને જરાક ઊંડે સરવા તો દો હજી.
હોડી અને હલેસાં જોશે તો માગશે,
એને વગર તરાપે તરવા તો દો હજી.
~ મધુમતી મહેતા
સરસ રચના
Pingback: 🍀14 ડિસેમ્બર અંક 3-1324🍀 - Kavyavishva.com
મધુમતી મહેતાની રચનાવો આસ્વાદ્ય.. અભિનંદન.
મધુમતી મહેતાની રચનાઓ આસ્વાદ્ય.. અભિનંદન.
વાહ, જિવનને જૂદા જૂદા સંદર્ભે જોવાની વાત લઈને આવતી આ ગઝલો ખૂબ જ અર્થ સભર અને માનનિય છે.
બધી ગઝલોમાં એક આગવાપણું છે અને એનાં જ કારણે ભાવકોને એમાં પોતાપણું સહજપણે અનુભવાય છે. આમેય હું મધુમતી બહેનની કલમની મોટી ચાહક છું.
વૈવિધ્ય સભર સરસ ગઝલો