ગરમાળે આવ્યા રે ફૂલ ~ મનહર ઓઝા
ગરમાળે આવ્યા રે ફૂલ કે ગરમાળો લૂમેઝુમે,
ઉનાળાના શા રે કરું મૂલ કે ગરમાળો લૂમેઝુમે.
વૈશાખી વાયરામાં કાચી કાચી કેરીઓ હિલ્લોળા લેતી,
મીઠું મીઠું મરકીને લીંબોળી લીમડાના કાનમાં કંઇ કે’તી.
મસ્તીમાં બેઉ જણા ગુલ કે ગરમાળો લૂમેઝુમે,
ગરમાળે આવ્યા રે ફૂલ કે ગરમાળો લૂમેઝુમે.
કાળી કોયલડી પીળો ગરમાળો ને લીલી લીંબોળી,
કેશરિયો કેશુડો ને તગડીની ડાળપર હિંચે ખિસકોલી.
કુદરતના ખોળે તું ઝૂલ કે ગરમાળો લૂમેઝુમે,
ગરમાળે આવ્યા રે ફૂલ કે ગરમાળો લૂમેઝુમે.
~ મનહર ઓઝા
ઉનાળો હજી આથમ્યો નથી…. ગરમાળો ખુલેલો અને ખીલેલો છે….. આ ગીત તમને ગમશે.
OP 6.6.22
***
મનહર ઓઝા
10-06-2022
ખૂબ આભાર.
રેખાબેન ભટ્ટ
06-06-2022
ખૂબ મસ્તીભર્યું ગીત.. અભિનંદન મનહરભાઈ….
Jayshree Patel
06-06-2022
ગરમાળાની સુંદર અભિવ્યક્તિ સુંદર શબ્દંકનમાં👌
છબીલભાઈ ત્રિવેદી
06-06-2022
મનહર ઓઝા નુ કાવ્ય ગરમાળો ખુબ સરસ ગરમાળો અને ગુલમહોર ગિર ની શોભા તળપદી શબ્દપ્રયોગ કાવ્ય ને ઓર સુંદરતા બક્ષે છે સરસ કાવ્ય આભાર લતાબેન
